ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાના હેતુથી સુરક્ષા સેતુ સોસાયટી, અમરેલી અંતર્ગત પી.પી.એસ. હાઈસ્કૂલ, વંડા ખાતે વિદ્યાર્થિનીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંડા પોલીસ સ્ટેશન દ્વારા તા. ૨૮ જુલાઈથી ૧૩ ઓગસ્ટ સુધી ચાલેલી આ તાલીમમાં ધોરણ ૯ થી ૧૨ની આશરે ૩૦૦ બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન વિદ્યાર્થિનીઓને જુડો-કરાટે, હેન્ડ ફ્રી મુવમેન્ટ, ચુંની દાવ, કાતા, પિરામિડ બ્રેકિંગ અને ફાયર જેવા અલગ-અલગ દાવપેચ શીખવવામાં આવ્યા હતા. આ તાલીમનું સંચાલન વંડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. પી.જે. રામાણીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નિયુક્ત કોચ હાર્દિકભાઈ ડુભાણીયા અને ટીમ ટ્રેનર્સ વિરલબેન જાની અને અનિરુદ્ધસિંહ વાજા દ્વારા કરવામાં આવ્યું હતું.