ચાઈનીઝ લોન એપના એજન્ટથી પરેશાન થઈને ૨૨ વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મૃતકની ઓળખ તેજસ તરીકે થઈ છે, જે બેંગલુરુના જલાહલ્લીમાં રહેતો હતો. તે યેલહંકાની નિટ્ટે મીનાક્ષી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.મૃતકના સંબંધીઓએ જણાવ્યું કે તેજસે ‘સ્લાઈસ એન્ડ ઈન્સ્ટોલમેન્ટ’ નામની ચાઈનીઝ એપ પરથી લોન લીધી હતી, પરંતુ તે પૈસા પરત કરી શક્યો ન હતો. સંબંધીઓનો આરોપ છે કે લોન એપના એજન્ટો તેજસને ઘરે આવીને ધમકી આપી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર એજન્સીઓ તેજસને તેની તસવીરો વાયરલ કરવાની ધમકી આપી રહ્યા હતા.
તેજને ડેથ નોટમાં લખ્યું હતું, મમ્મી- પપ્પા મને માફ કરજા તેજસે ડેથ નોટમાં લખ્યું, ‘મમ્મી- પપ્પા, મેં જે કર્યું તેના માટે મને માફ કરી દેજા. મારી પાસે બીજા કોઈ વિકલ્પ નથી. હું મારા નામે લીધેલી લોન ચૂકવી શક્યો નથી અને આ મારો અંતિમ નિર્ણય છે… અલવિદા.’તેજસના આપઘાતના ત્રણ દિવસ પહેલા મૃતકના પિતાએ લોનની સંપૂર્ણ રકમ ચૂકવવા માટે વધુ સમય માંગ્યો હતો. આ પછી પણ લોન એપના એજન્ટો સતત ધમકી આપતા હતા.મંગળવારે સાંજે એપ એજન્ટોએ તેજસને અનેક કોલ કર્યા. આ પછી તેજસે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
૨૦૨૦ માં દેશમાં કોરોના મહામારી પછી, લોકોની નબળી આર્થિક સ્થિતિએ આ ચાઇનીઝ લોન આપતી કંપનીઓને તેમનો વ્યવસાય વધારવામાં ઘણી મદદ કરી છે. આ લોન એપને ડાઉનલોડ કરતાની સાથે જ યુઝરના ખાતામાં થોડી રકમ ટ્રાન્સફર થઈ જાય છે, પરંતુ આ લોનનો વ્યાજ દર ઘણો વધારે હોય છે. ક્યારેક ૨૦૦% થી ૫૦૦% જેટલો ઊંચો વ્યાજ દર વસૂલવામાં આવે છે.
ડોક્યુમેન્ટ્‌સ અને વેરિફિકેશન વગર ઈન્સ્ટન્ટ લોન મેળવવાના લોભમાં લોકો આ એપ્સથી લોન લે છે. અહીંથી બ્લેકમેલિંગ અને ટોર્ચરનો ખેલ શરૂ થાય છે. લોનના પૈસા પરત કર્યા પછી પણ આ કંપનીઓ તે વ્યક્તિને વધુ પૈસા આપવાના નામે બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે. તેને અને તેના પરિવારના સભ્યોને ધમકીભર્યા ફોન કરવામાં આવે છે.આ એપ્સ, જેણે યુઝરની સંપૂર્ણ વિગતો એકત્રિત કરી છે, તે લેનારાને તેના પરિવારને મોર્ફ્‌ડ અને પોર્નોગ્રાફિક તસવીરો મોકલીને બ્લેકમેલ કરે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ તેમને લોનની રકમ કરતા અનેક ગણા વધુ રુપિયા આપવા માટે મજબૂર થાય છે.ઘણી વખત આ એપ્સ લોકોને એટલી બધી પરેશાન કરે છે કે તેજસની જેમ લોકો આત્મહત્યા પણ કરી લે છે, પરંતુ આ એપ્સનો ધંધો ચાલે છે કારણ કે તેમને નવો શિકાર શોધી લે છે. ઈન્સ્ટન્ટ લોન મેળવવાના લોભમાં વ્યક્તિ આ લોન આપતી એપ ઈન્સ્ટોલ કરે છે. ડાઉનલોડ કરતી વખતે, આ એપ યુઝર પાસે તેમની ગેલેરી, કોન્ટેક્ટ, લોકેશન વગેરે એક્સેસ કરવાની
પરવાનગી માંગે છે, જે યુઝર વારંવાર આપે છે. ઘણી વખત આ એપ યૂઝરના ફોનમાં થર્ડ પાર્ટી એપ કે માલવેરને તેની જાણ વગર ઇન્સ્ટોલ કરે છે અને તેના દ્વારા યુઝરની અંગત માહિતી ચોરી લે છે. આ માહિતીનો ઉપયોગ તેને બ્લેકમેલ કરવા માટે કરવામાં આવે છે. તેઓ તરત જ લોનના નામે પૂરા પૈસા પણ આપતા નથી, પરંતુ ફક્ત ૬૦-૭૦% જ યુઝરના ખાતામાં ટ્રાન્સફર કરે છે.