અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ ૩૧ ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર વર્ષે વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અનોખી ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ ૨૬મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે ૩૧ ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે. મુખ્ય સચિવ પંકજ જાશી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ ભવ્ય ઉજવણીના સમગ્ર કાર્ય આયોજન અંગેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ, સીઆઇએસએફ, આઇટીબીપી,સીઆરપીએફ,એસએસબી જમ્મુ કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ ૧૬ કન્ટીજન્ટ્સ સહભાગી થશે. એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના બીએસએફના ૧૬ પદક વિજેતા અને સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જાડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમના ૧૦૦ જેટલા સદસ્યો કરવાના છે. એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા ૯ બેન્ડ કન્ટીજન્સ પણ જાડાવાના છે. ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે.મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લાલ કિલ્લાની પ્રાચીરથી આપેલો મંત્ર ‘રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક’ને ચરિતાર્થ કરતા કાર્યક્રમો આ એકતા પરેડ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને વધુ ગરિમામય બનાવશે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતોની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ અવસરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાની પદ પૂજા કર્યા પછી પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવશે ત્યારે તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસની કંટીજન્ટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે અને સમગ્ર કાર્યક્રમનો શાનદાર પ્રારંભ થશે. આ પરેડમાં ‘એકત્વ’ થીમ આધારિત વિવિધ ટેબ્લોઝનું જે નિદર્શન થવાનું છે તેમાં જુદા જુદા રાજ્યો અને સીએપીએફ દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ૧૦ ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે. એનડીઆરએફ,એનએસજી જમ્મુ કાશ્મીર, આંદામાન એન્ડ નિકોબાર, પુડ્ડુચેરી, મહારાષ્ટ્ર, ગુજરાત, મણીપુર, છત્તીસગઢ અને ઉત્તરાખંડ દ્વારા આ ટેબ્લોઝ રજૂ થવાના છે. વધુને વધુ લોકો આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર આ વર્ષે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને ૧૧,૫૦૦થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે તેના પર ઓનલાઇન રજીસ્ટ્રેશનથી કોઈપણ વ્યક્તિ આ એકતા પરેડના કાર્યક્રમોમાં જાડાઈ શકે છે. મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે, દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવે છે. સરદાર સાહેબના જીવન કવનને ઉજાગર કરતી નાટ્ય પ્રસ્તુતિ ‘લોહપુરુષ’ પણ આ પ્રસંગે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે રજૂ કરવામાં આવશે. પંકજ જાશી અને વિકાસ સહાયે ઉમેર્યું કે, આ વર્ષે પ્રકાશ પર્વ દિવાળી, નૂતન વર્ષ અને સરદાર સાહેબની જન્મજયંતિ ઉજવણીની ત્રિવેણીરૂપે રાજ્ય સરકાર દ્વારા ૧૭ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન એકતાનગર ખાતે પ્રકાશ પર્વ અન્વયે દરરોજ સાંજે ૭થી ૧૧ વાગ્યા સુધી સૌંદર્યમય લાઇટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકાશે. આ હેતુસર એકતાનગર ખાતેની વેલી ઓફ ફ્લાવર્સ જવા માટેના માર્ગને ૧૩ થીમ આધારિત ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે અને દરેક ઝોનમાં સિલીંગ લાઈટ,રોડ સાઈડ ઈલ્યુમિનેશન આર્ટીકલ્સ તથા ફોટો-સેલ્ફી પોઇન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે.





































