અમરેલી જિલ્લામાં છાશવારે સિંહોના કમોત થઈ રહ્યાં છે. વન વિભાગ સિંહોને જંગલ વિસ્તાર સુધી સીમિત રાખવામાં નાકામ રહેતા સિંહો અનેકવાર રેલવે ટ્રેક પર ધસી આવે છે જેના કારણે ભૂતકાળમાં અનેક સિંહોના ટ્રેન અડફેટે મોત થયા છે. જા કે ઘણીવાર લોકો પાયલોટની સમયસૂચકતાથી સિંહોના જીવ પણ બચ્યા છે. લોકો પાયલોટની સજાગતાને કારણે અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ નજીક આજે પરોઢિયે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. રેલવે ટ્રેક પર ૧૦ સિંહના એક ગ્રુપે અડિંગો જમાવ્યો હતો ત્યારે જ માલગાડી આવી પહોંચી હતી. જો કે, માલગાડીના પાયલોટનું ધ્યાન પડતા જ તેણે એકપળનો પણ વિચાર કર્યા વગર ઈમરજન્સી બ્રેક મારી ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારબાદ પાયલોટે ટોર્ચની મદદથી સિંહને ટ્રેક પરથી દૂર કર્યા હતા. રેલવે વિભાગ દ્વારા ૧૦ સિંહનો જીવ બચાવનાર પાયલોટની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટ મુકેશકુમાર મીના આજે વહેલી સવારે પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડીંગ તરફ માલગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે જ તેની નજર રેલવે ટ્રેક પર અડિંગો જમાવીને બેસેલા સિંહના ગ્રુપ પર પડતા તેણે ઈમરજન્સી બ્રેક લગાવી માલગાડીને રોકી દીધી હતી. ટોર્ચની મદદથી ટ્રેક પર આવી ગયેલા સિંહને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. થોડીવાર રાહ જોયા પછી તમામ સિંહ ટ્રેક પરથી દૂર જતા પાયલોટ પોતાની માલગાડી પીપાવાવ પોર્ટ સાઈડીંગ તરફ લઈ ગયા હતા અને આ મામલે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી. રેલવે વિભાગ દ્વારા લોકો પાયલોટની કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ લોકો પાયલોટની સમયસૂચકતાથી સિંહોનો જીવ બચતા સિંહપ્રેમીઓમાં પણ આનંદ ફેલાયો હતો.