કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત વાર્ષિક કાનૂની પરિષદમાં તમામ ચૂંટણીઓના આંકડા રજૂ કર્યા, જેમાં તેમણે કહ્યું કે જ્યારે અમે આ સંપૂર્ણ આંકડા જાહેર કરીશું, ત્યારે હોબાળો થશે, આ કોઈ અણુ બોમ્બથી ઓછું નથી. રાહુલ ગાંધીએ આ દરમિયાન કૃષિ કાયદાઓ વિશે પણ વાત કરી અને કહ્યું કે તેઓ કોઈથી ડરતા નથી.
પોતાનું સંબોધન શરૂ કર્યા પછી, રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીમાં થયેલા ફેરફારોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ‘૨૦૧૪ થી, મને લાગ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં કંઈક ખોટું થયું છે. મને આશ્ચર્ય થયું કે કોંગ્રેસને ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોઈ બેઠક મળી નથી. મેં કંઈ કહ્યું નહીં, કારણ કે કોઈ પુરાવા નહોતા. જ્યારે પણ હું આ વિશે લોકો સાથે વાત કરતો, ત્યારે તેઓ પુરાવા માંગતા, પરંતુ મહારાષ્ટ્રમાં કંઈક એવું બન્યું જેણે મને વિચારવા માટે મજબૂર કરી દીધું. અમે લોકસભામાં બમ્પર જીત્યા પરંતુ વિધાનસભામાં જબરદસ્ત હાર્યા. મહારાષ્ટ્રમાં એક કરોડ નવા મતદારો ઉમેરાયા, જેમાંથી મોટાભાગના લોકોએ ભાજપને મત આપ્યો. મહારાષ્ટ્રમાં એક કરોડ નવા મતદારો ઉમેરાયા, જેનાથી સ્પષ્ટ થયું કે કંઈક ગોટાળો થયો છે.’
રાહુલે આગળ કહ્યું, ‘હવે અમારી પાસે સંપૂર્ણ પુરાવા છે. મને આ વિશે ખાતરી છે. બૂથ લેવલ લિસ્ટની જે નકલ આપવામાં આવી છે તે સ્કેન કરી શકાતી નથી. ૬.૫ લાખ લોકો મતદાન કરે છે અને ૧.૫ લાખ મત નકલી છે. જ્યારે આપણે આ આંકડા જાહેર કરીશું, ત્યારે ભૂકંપ આવશે, આ કોઈ અણુ બોમ્બથી ઓછું નથી. આ સાબિત કરે છે કે ચૂંટણી પંચ જેવી સંસ્થા હવે અસ્તીત્વમાં નથી, તે ગાયબ થઈ ગઈ છે. જા લોકસભા ચૂંટણીમાં ૧૦-૧૫ ઓછી બેઠકો હોત તો મોદીજી વડા પ્રધાન ન બન્યા હોત.’
રાહુલ ગાંધીએ કહ્યું, ‘જ્યારે અમે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે અરુણ જેટલીને મારા ઘરે મોકલવામાં આવ્યા હતા, તેમણે મને કહ્યું હતું કે જા તમે વિરોધ ચાલુ રાખશો, તો તમારી સામે કેસ દાખલ કરવામાં આવશે. મેં તેમને કહ્યું કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો તે તમને ખબર નથી, હું કોઈથી ડરતો નથી. આપણે ફક્ત આ કાયદાના પુસ્તકને બચાવવાની વાત નથી કરી રહ્યા, આપણે ભારતમાં રહેવાની રીત બચાવવાની વાત કરી રહ્યા છીએ.’
પોતાની બહેનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘પ્રિયંકાએ ગઈકાલે મને કહ્યું હતું કે તમે આગ સાથે રમી રહ્યા છો. મેં કહ્યું હતું કે મને ખબર છે પણ હું ડરતો નથી. સત્તામાં બેઠેલી વિચારધારા કાયર છે. આગામી દિવસોમાં, અમે તમને જણાવીશું કે લોકસભા ચૂંટણીના પરિણામો કેવી રીતે બદલાયા અને તેને કેવી રીતે બદલી શકાય.’ રાહુલ ગાંધીએ વાર્ષિક કાનૂની સંમેલન-૨૦૨૫માં કંઈક એવું કહ્યું, જેના કારણે ત્યાં હાજર લોકો તાળીઓ પાડતા રોકી શક્યા નહીં. વાસ્તવમાં, કાર્યક્રમમાં રાહુલના સંબોધન દરમિયાન, સમર્થકો અને રાહુલના ચાહકોએ તેમના માટે સૂત્રોચ્ચાર કર્યા. લોકો બૂમો પાડી રહ્યા હતા – ‘દેશ કા રાજા કૈસા હો, રાહુલ ગાંધી જૈસા હો’. આના પર રાહુલે કહ્યું કે હું રાજા નથી. હું રાજા પણ બનવા માંગતો નથી. હું રાજાના ખ્યાલની વિરુદ્ધ છું.





































