લોકસભા ચૂંટણીમાં આવતીકાલે ૭મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. કોંગ્રેસે ચૂંટણીમાં મુસ્લીમ ઉમેદવારોની પરંપરા તોડી છે. પ્રથમ વખત ગુજરાતમાં કોંગ્રેસે એક પણ મુસ્લીમ ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખ્યા નથી. રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં કુલ ૩૫ મુસ્લીમ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ ઉમેદવારોમાંથી મોટા ભાગના સ્વતંત્ર ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગરથી બસપાએ મુસ્લીમ ઉમેદવારને ટિકીટ આપી છે.
આ વખતની લોકસભા ચૂંટણીમાં મુસ્લીમ સમુદાયના એકપણ વ્યક્તિને ઉમેદવાર ના બનાવવા પાછળ કોંગ્રેસ કારણું આપ્યું છે. કોંગ્રેસે જણાવ્યું કે પક્ષના ઇન્ડિયા મહાગઠબંધનને લઈને બેઠકોની વહેંચણી મહત્વની બની રહી. આ મામલે અન્ય પક્ષોને સાથે રાખવા તેમણે મુસ્લીમ
ઉમેદવારોનો ભોગ આપ્યો છે. જે બેઠકો પર અગાઉ મુસ્લીમ ઉમેદવારો હતા ત્યાં અન્ય ઉમેદવારને ટિકીટ આપી છે. રાજકીય રીતે ત્રણ મહત્વના પક્ષો સિવાય ફક્ત બસપાએ મુસ્લીમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૯માં બસપાએ પંચમહાલથી મુસ્લીમ ઉમેદવારને ટિકીટ આપી હતી. આ સિવાય કોંગ્રેસે ભૂતકાળમાં નવસારી અને અમદવાદથી (જ્યારે આ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકોમાં વિભાજીત ન હતું) મુસ્લીમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે આ વખતે ગાંધીનગર બેઠક પર મુસ્લીમ ઉમેદવારને ઉભા રાખ્યા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં કુલ ૩૫ મુસ્લીમ ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
રાજ્યમાં ૨૦૧૯માં મુસ્લીમ સમાજના ૪૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મુસ્લીમ ઉમેદવારોમાં ઘટાડો જોવા મળ્યો. મહત્વનું છે કે દેશમાં કોંગ્રેસ પક્ષ મુસ્લીમ સમાજની તરફેણ હોવાનું માનવામાં આવતું હતું. ત્યારે છેલ્લા કેટલાક સમયથી વિધાનસભા અને લોકસભામાં મુસ્લીમ ઉમેદવારોના પ્રતિનિધિત્વમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની મહત્વની કહેવાતી એવી ભાજપ, કોંગ્રેસ મહાગઠબંધન અને આમ આદમી પાર્ટી ત્રણ પાર્ટીમાંથી કોઈ પક્ષે મુસ્લીમ ઉમેદવારને ટિકિટ આપી નથી. ભાજપે લોકસભા ચૂંટણી માટે રાજ્યના ૨૬ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાંથી એક પણ મુસ્લીમ ઉમેદવાર નથી. જ્યારે વિધાનસભામાં હાલમાં અમદાવાદના જમાલપુર-ખાડિયાથી ધારાસભ્ય એકમાત્ર મુસ્લીમ ઉમેદવાર છે.
મુસ્લીમ નેતૃત્વના ઘટતા પ્રતિનિધિત્વ પર રાજકીય પક્ષો પોત-પોતાના કારણો આપી રહ્યા છે. જ્યારે મુસ્લીમ આગેવાનો સ્વીકાર કરે છે કે મુસ્લીમ સમાજમાં જાગૃતિ નથી તેમજ આ મામલે અવાજ ઉઠાવનાર સબળ નેતૃત્વનો અભાવ પણ ઘટતા પ્રતિનિધિત્વ પાછળ જવાબદાર હોવાનું માને છે.