૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન વાજપેયીના નેતૃત્વમાં રાજગ (એનડીએ)એ સતત ત્રીજી વાર ચૂંટણી જીતવાના સંકલ્પ સાથે ચૂંટણી ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. બધા ઍક્ઝિટ પાલની એનડીએના વિજયની ધારણા છતાં પરિણામો વિપરીત આવ્યા હતા. અલબત્ત, સત્તારૂઢ ભાજપ અને કાંગ્રેસ વચ્ચે માત્ર સાત બેઠકોનું અંદર હતું. ભાજપને ૧૩૮ અને કાંગ્રેસને ૧૪૫ બેઠક મળી હતી. પરંતુ કાંગ્રેસે ચૂંટણી પૂર્વે મોરચો નહોતો બનાવ્યો. રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિ ગઠબંધન જેવું કોઈ ગઠબંધન નહોતું બન્યું, રાજ્યોમાં પક્ષીય ધોરણે ગઠબંધન હતું. ચૂંટણી પછી સંપ્રગ (સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન – યુપીએ) મોરચો બન્યો હતો જેને બસપ, સપ, કેરળ કાંગ્રેસ અને ડાબેરી મોરચાનો બહારથી ટેકો મળ્યો હતો. ૨૦૦૪ અને ૨૦૨૪ની ચૂંટણીમાં સમાનતા એ હતી કે વડા પ્રધાનોના ઉત્તરાધિકારીની વાત થવા લાગી હતી. ૨૦૦૪માં અટલજીએ પોતે કહ્યું હતું કે તેમનો ઉત્તરાધિકારી શોધી લેવાયો છે. પરંતુ પછી કાંગ્રેસે મુદ્દો બનાવતા ફેરવી તોળ્યું હતું કે ઉત્તરાધિકારીની વાત અફવા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં સર્વોચ્ચ માનનીયોની કૃપાથી જેલની બહાર આવેલા અરવિંદ કેજરીવાલે મોદીના ઉત્તરાધિકારીનો મુદ્દો ઊછાળી કહ્યું હતું કે જો ભાજપ ચૂંટાશે તો અમિત શાહને વડા પ્રધાન બનાવાશે અને બે મહિનામાં યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પદેથી હટાવી દેવાશે. આના પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અને યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આવી કોઈ શક્યતા નથી. અમિત શાહે તો કહ્યું હતું કે ૨૦૩૪ સુધી મોદી વડા પ્રધાન રહેશે. આના કરતાં મોદીએ આ પોતાની છેલ્લી ચૂંટણી છે તેમ કહી મત માગ્યા હોત તો કદાચ મતદારો ૪૦૦ પાર કરાવી દેત અને સારું કામ ચાલુ રહેત તો ૨૦૨૬માં તેમને વડાપ્રધાન પદે ચાલુ રહેવા ભીની આંખે આગ્રહ કરત, જેવી રીતે ૨૦૦૪ની ચૂંટણી પછી કાંગ્રેસીઓએ સોનિયા ગાંધીને વડા પ્રધાન બનવા આગ્રહ કર્યો હતો. ૨૦૦૪માં ભાજપે મુસ્લિમોનું તુષ્ટિકરણ ભરપૂર કર્યું હતું. અટલજીએ ચૂંટણી દરમિયાન પાઠશાળાને અવગણીને મદરેસાને સહાયની વાત કરતા વિહિપે વિરોધમાં દેખાવો કર્યા હતા. અટલજીએ તે સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં પાકિસ્તાન ટીમની ખેલદિલી પરથી શીખવા માટે પણ કહ્યું હતું. અટલજીએ મુસ્લિમ ટોપી અને ચેક્સવાળો ખેસ પણ પહેર્યો હતો. પ્રથમ તબક્કામાં મતદાનના હકારાત્મક અહેવાલોથી પ્રોત્સાહિત વાજપેયીએ કહ્યું હતું કે મુસ્લિમોના સહયોગ વગર પ્રગતિ શક્ય જ નથી. આ બધું ભાજપના સમર્થકોને ગળે ઉતર્યું નહીં. બીજી તરફ, તત્કાલીન સંરક્ષણ પ્રધાન જ્યાર્જ ફર્નાન્ડિઝ જે ૧૯૯૮ પહેલાં સુધી રામમંદિરના વિરોધી હતા, તેમણે નિવેદન કર્યું હતું કે રામમંદિર એનડીએના એજન્ડામાં છે. આમ, હિન્દુત્વ મુદ્દે ભાજપ અને સાથી પક્ષોના વિરોધાભાસી સૂર જોવા મળ્યા હતા. આ ચૂંટણીમાં એનડીટીવી માટે રાજદીપ સરદેસાઈએ (તે વખતે તેઓ એનડીટીવીમાં હતા) આપેલા ઇન્ટરવ્યૂમાં અટલજી ખૂબ જ થાકેલા અને હતાશ લાગતા હતા અને આશાવાદી લાગતા નહોતા. આ વખતે ગુજરાતમાં ૫૯.૫૧ ટકા મતદાન થયું હતું, પરંતુ ૨૦૦૪માં માત્ર ૪૫.૧૮ ટકા જ મતદાન થયું હતું. ૨૦૦૪માં દેશભરમાં ૫૮.૦૭ ટકા મતદાન થયું હતું. આ વખતે દેશભરમાં ૬૫.૭૯ ટકા મતદાન થયું હતું, છતાં નિરાશાજનક મતદાનનો સૂર મીડિયાએ આલાપ્યો હતો. ગત ચૂંટણી દરમિયાન કાંગ્રેસ સાંસદ (જે પછી વિદેશ પ્રધાન બનેલા) નટવરસિંહે એક સમાચારપત્રમાં લખેલા લેખમાં ગરમીમાં મતદાન સામે વિરોધ કર્યો હતો. આ ચૂંટણીમાં પણ અસહ્ય ગરમી છતાં ચૂંટણી પંચે મોડી ચૂંટણી આપી અને બે તબક્કાઓ વચ્ચે ખૂબ અંતર રાખ્યું જેમાં ઉત્તર પ્રદેશમાં ૧૮ જેટલા ચૂંટણી કર્મચારીઓના જીવ પણ ગયા. ૨૦૦૪ની ચૂંટણી દરમિયાન પટના ઉચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો હતો કે જેલમાં બંધ કેદીઓને ચૂંટણી લડવાનો અધિકાર નથી. તો પછી ૨૦૨૪ની ચૂંટણીમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદી અમૃતપાલસિંહ અને ત્રાસવાદી એન્જિનિયર રાશીદને જેલમાંથી ચૂંટણી લડવાની અનુમતિ કેમ ચૂંટણી પંચ અને ન્યાયાલયે આપી? છાશવારે જાહેર હિતની યાચિકા (પીઆઈએલ) કરતી એનજીઓ, વિશેષ તો ચૂંટણીમાં સુધારા માટે કામ કરતી એડીઆર જેને ઇવીએમ સામે વાંધો હતો તેણે કેમ આ બે અભ્યર્થીઓ સામે પીઆઈએલ ન કરી? ૨૦૦૨માં ગોધરા ખાતે સાબરમતી ઍક્સ્પ્રેસમાં ઊંઘ લઈ રહેલા કારસેવકોને ડબ્બામાં પૂરી જિહાદીઓએ જીવતા સળગાવી નાખ્યા પછી થયેલાં રમખાણોના કારણે દેશ-દુનિયાની જિહાદી સમર્થક ઇકા સિસ્ટમ કામે લાગી ગઈ હતી. ચૂંટણી દરમિયાન બેસ્ટ બેકરી કેસમાં સુપ્રીમે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. પરિણામે મુસ્લિમ મતોનું ધ્રૂવીકરણ કાંગ્રેસ અને તેના સાથી પક્ષો તરફે થયું હતું. બીજી તરફ, અટલજી સહિત ભાજપના લોકોએ મુસ્લિમોનું તુષ્ટિકરણ કર્યું હતું. ૨૦૧૯ની ચૂંટણીમાં મુસ્લિમોને રિઝવવા મોદીએ પ્રયાસ કર્યા નહોતા. ૨૦૧૯ની ચૂંટણી પછી મોદીએ ‘સબ કા સાથ સબ કા વિકાસ’ સૂત્રમાં ‘સબ કા વિશ્વાસ’ જોડી મુસ્લિમ તુષ્ટિકરણ શરૂ કર્યું હતું. સીએએ લાવ્યા પછી મુસ્લિમો દ્વારા શાહીનબાગ આંદોલન થયું અને સંઘ પરિવાર તેની સામે મૌન બની જોતો રહ્યો. તે પછી પણ મોદીએ મુસ્લિમ તુષ્ટિકરણ ચાલુ રાખ્યું અને હૈદરાબાદમાં જુલાઈ ૨૦૨૨માં યોજાયેલી ભાજપની કાર્યકારિણીમાં પસમાંદા મુસ્લિમોની પાસે જવા ભાજપના કાર્યકરોને અનુરોધ કર્યો હતો. બીજી તરફ, ૨૦૧૪-૧૯ની સરખામણીએ ૨૦૧૯-૨૦૨૪માં કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા હિન્દુઓની હત્યા, હિન્દુ શોભાયાત્રા પર પથ્થરમારો વધી ગયા હતા. પ. બંગાળમાં ભાજપ કાર્યકર્તાઓ અને હિન્દુઓની હત્યા-પલાયન થયાં. આમ, ત્યાંના હિન્દુઓ ભાજપથી દુઃખી હતા. એટલે પ. બંગાળમાં ૨૦૧૯માં ૧૮ બેઠકોથી ઘટીને ૧૨ બેઠકો થઈ ગઈ. ૨૦૦૪ અને ૨૦૨૪માં ભાજપમાં જૂથવાદ પણ ખૂબ પ્રબળ હતો. ૨૦૦૪માં તો આંતરિક ટાંટિયા ખેંચ હતી જ્યારે ૨૦૨૪માં બીજા ક્રમના નેતા માટેની લડાઈ અને ભાજપના કાંગ્રેસીકરણથી કાર્યકર્તાઓ દુઃખી હતા. ૨૦૦૪માં ન્યાયાલય ઉપરાંત આઈઆઈએમ સંસ્થાઓ પણ ભાજપ સામે પડી હતી કારણકે તેની ફી ઘટાડવામાં આવી તેનો વિરોધ કર્યો હતો. તેમને ડર લાગ્યો હતો કે તેમની સ્વાયત્તતા પર કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન મુરલી મનોહર જોશી તરાપ મારી રહ્યા છે. આ વખતે ઘણી એનજીઓ કાંગ્રેસ તરફે રહી કારણકે મોદી સરકારે એનજીઓને મળતા વિદેશી ભંડોળ બંધ કર્યા હતા. આમ, એક તરફ સંઘ પરિવારની સંસ્થાઓ ૨૦૦૪માં ભાજપ વિરુદ્ધ હતી અને બીજી તરફ, ન્યાયાલયના ચુકાદા, એનજીઓ, મુસ્લિમો વગેરે કાંગ્રેસ તરફ સંપી ગયા હતા. ૨૦૦૪ કરતાં ૨૦૨૪માં સ્થિતિ એ રીતે જુદી હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં મોદી સરકારે સંઘ પરિવારના એજન્ડામાં રહેલા બધાં કામો પૂરાં કર્યાં હતાં. પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ મુસ્લિમો પક્ષે તુષ્ટિકરણ અને વિરોધમાં એમ બંને પ્રકારનાં નિવેદનો આપ્યા. એક તરફ, મુસ્લિમોને અનામતનો વિરોધ કર્યો તો બીજી બાજુ ઇદ-સેવૈયાની વાત કરી. આથી હિન્દુઓ ગુંચવાયા અને મુસ્લિમોએ એક સંપ થઈ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું. ચૂંટણી પરિણામો આવ્યાં ત્યારે મીડિયાનાં હેડિંગ કેવાં હતાં? કાંગ્રેસને ૧૪૫ અને ભાજપને ૧૩૮ બેઠકો છતાં આવાં હેડિંગ હતાંઃ ફીલગુડ કાંગ્રેસને ફળ્યું, ગુજરાતમાં ભાજપને મતદારોની લપડાક માત્ર ૧૪ બેઠક જ મળી. ગુજરાતમાં લોકસભાના ઇતિહાસમાં ૧૯૮૦માં માત્ર એક જ વાર કાંગ્રેસને ૨૬માંથી ૨૫ બેઠક મળી હતી. જ્યારે ભાજપને ૨૦૧૪, ૨૦૧૯માં ૨૬માંથી ૨૬ બેઠક છતાં ૨૦૨૪માં ૨૫ બેઠક મળી એ મીડિયાની દૃષ્ટિએ કાંગ્રેસનો નૈતિક વિજય થઈ ગયો! ચૂંટણી પછી મીડિયાનાં હેડિંગ હતાંઃ સોનિયા ગાંધી દેશનાં વડા પ્રધાન. પરંતુ મુલાયમસિંહ યાદવ અને સુબ્રમણિયમ સ્વામીએ રાષ્ટ્રપતિ ડા. એ. પી. જે. અબ્દુલ કલામ સમક્ષ ટૅક્નિકલ વાંધો રજૂ કર્યો હતો કે વિદેશી મૂળના હોવાથી સોનિયા ગાંધી વડા પ્રધાન ન બની શકે. આથી મીડિયાએ સોનિયા ગાંધીના ત્યાગની કથા ઉપજાવી કાઢી. પછી મનમોહનસિંહની વડા પ્રધાન તરીકે વરણી થતાં મીડિયાએ તેમના ભાડુઆત અને પડોશીઓના પણ ઇન્ટરવ્યૂ લીધા હતા! મીડિયાનું એક હેડિંગ આવું હતુંઃ હું વડા પ્રધાન પદ માટેની દોડમાં ક્યારેય નહોતોઃ રાહુલ ગાંધી. ૨૦૦૪ની ચૂંટણી પછી વાજપેયી ફૂલોના ગુચ્છ સાથે મનમોહનસિંહને મળવા ગયા હતા અને નવી સરકારને સહકારની ખાતરી આપી હતી. ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને ૨૪૦ બેઠક મળવા છતાં સોનિયા/રાહુલ/પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદીને અભિનંદન પાઠવવા રૂબરૂ તો છોડો, ટિ્‌વટર પર પણ શુભકામના નથી આપી. અટલજીએ તરત જ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. જ્યારે અખિલેશ યાદવ સહિતના ઘણા વિપક્ષી નેતાઓએ પોતાના સરકારી આવાસ ૨૦૧૯માં ખાલી કરવામાં ખૂબ ઠાગાઠૈયા કર્યા હતા અને બંગલામાં નુકસાન પહોંચાડ્‌યું હતું. ૨૦૦૪ અને ૨૦૨૪ની ચૂંટણી પછીના દિવસોમાં ઘટનાક્રમો ઘટ્યા તેમાં તફાવત છે. ૨૦૦૪ની ચૂંટણી પછી કાંગ્રેસ સામે તેને બહારથી ટેકો આપનાર સમાજવાદી પક્ષે મોરચો માંડ્‌યો હતો. તહલકા કાંડમાં જ્યાર્જ ફર્નાન્ડિઝ સામેની ફેરતપાસનો વિરોધ કર્યો હતો, લાલુપ્રસાદ યાદવ જેવા કલંકિત નેતાને પ્રધાન બનાવવા સામે વિરોધ કર્યો હતો. ડીએમકેએ સરકારમાંથી ખસી જવા ધમકી આપી હતી અને ઇચ્છિત ખાતાં ન મળતાં સાત પ્રધાનોએ કાર્યભાર સંભાળવા નકાર્યું હતું. જોકે કાંગ્રેસ ઝૂકી જતાં સંકટ ટળી ગયું હતું. ૨૦૨૪ પછી ભાજપને નીતીશકુમારના જદયુ અને ચંદ્રબાબુ નાયડુના તેદેપનો મજબૂત ટેકો મળ્યો છે. મીડિયાની ચર્ચા છતાં લોકસભાના અધ્યક્ષ પદ કે ખાતાં ફાળવણી અંગે કોઈ કચવાટ નથી જોવા મળ્યો. સોનિયા સરકારની અને રાહુલ ગાંધી પક્ષની જવાબદારી લેશે પરંતુ તેમ થયું નહીં. દિવસોના દિવસો ગાંધી પરિવારના ગુણગાન ગવાયા હતા. કેટલાંક હેડિંગઃ અમેઠીમાંથી ચોથા ગાંધીનો (રાહુલ ગાંધીનો) લોકસભામાં પ્રવેશ, પ્રજાએ વિદેશી વહુ (સોનિયા ગાંધી)ને સ્વીકારી, દેશી વહુને વનવાસ આપ્યો, ઇટાલીમાં સોનિયાના જન્મસ્થળે પણ જશ્નનો માહોલ છવાયો ૧૪૫ બેઠકો જ મળી હોવા છતાં, તંત્રી પાના પરના લેખોઃ રાજદીપ સરદેસાઈએ તો સોનિયા ગાંધીને તેમના ઉપજાવી કાઢેલા ત્યાગ બદલ રાજકીય સંત ગણાવી દીધાં હતાં. બીજા એક લેખનું મથાળું હતુંઃ આ ચૂંટણી સોનિયા ગાંધીની હતી. ૨૦૨૪માં તો ભાજપ અને કાંગ્રેસની બેઠકોની સંખ્યા વચ્ચે ૧૪૧ બેઠકો જેટલો મોટો તફાવત અને એકલા ભાજપ જેટલી બેઠકો પૂરા ઇન્ડિ ગઠબંધનની ન હોવા છતાં ૨૦૦૪ની ચૂંટણીના વિશ્લેષણની જેમ જ ૨૦૨૪માં પણ ભાજપની હાર, કાંગ્રેસની જીત જેવું વિશ્લેષણ છે. આ વખતે તો ઓડિશા અને આંધ્રપ્રદેશમાં એનડીએ જીત્યો છે. તેલંગાણામાં ભાજપની બેઠકો ચારમાંથી વધીને આઠ થઈ. છતાં ભાજપ સામે મરશિયાં ગવાઈ રહ્યાં છે. આ વખતે સંઘે પણ ભાજપ સામે ટકોર કરી. સંઘની ટકોર ઉચિત છે, પરંતુ બંધબારણે કહેવાની વાત જાહેરમાં કહી વિરોધીઓને મસાલો પૂરો પાડી દીધો છે. સંઘ પરિવારે પણ ૨૦૦૪ અને ૨૦૨૪ની ચૂંટણીમાં નિષ્ક્રિયતાનો પદાર્થપાઠ ભણવો પડશે કારણકે ભાજપ સિવાય બીજો કોઈ રાજકીય પક્ષ તેનો ભાવ પૂછતો નથી. તેનાં એજન્ડામાં રહેલાં કામો કરતો નથી. ૨૦૦૪ અને ૨૦૨૪ વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે ૨૦૦૪થી વિરુદ્ધ ૨૦૨૪માં એનડીએની સત્તા ટકી રહી છે અને મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનવામાં સફળ રહ્યા છે. ૨૦૦૪ અને ૨૦૨૪ની ચૂંટણીમાં તફાવત એ પણ છે કે ૨૦૦૪માં ગુજરાતમાં ૧૪ બેઠકો જીત્યા પછી મોટી ઉથલપાથલ મચી હતી. બીજી તરફ, ૨૦૨૪ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૩૩ બેઠકો ભાજપને મળી છતાં મોટી ઉથલપાથલ જોવા નથી મળી (યોગીએ બોલાવેલી પ્રધાનમંડળની બેઠકમાં બે ઉપમુખ્ય પ્રધાનો હાજર નહોતા રહ્યા.) ૨૦૦૪માં કિસાન સંઘે મોદીના રાજીનામાની માગણી કરી હતી, ગુજરાતમાં ભાજપને ૧૪ અને કાંગ્રેસને ૧૨ બેઠકો મળી હતી, તેમ છતાં ત્યારે પણ એવું વિશ્લેષણ કરાયું હતું કે આ કાંગ્રેસની જીત નથી, ભાજપને જાકારો છે (આ ચૂંટણીમાં ૨૫ બેઠકો જીતવા છતાં પણ આવું જ વિશ્લેષણ કરાયું છે) ૨૦૦૪માં ગુજરાતમાં ભાજપની બેઠકમાં રાજકીય ધમાલ થઈ હતી. તે વખતના મીડિયા અહેવાલો પ્રમાણે, ગુજરાત ભાજપમાં સરમુખત્યારશાહી સામે કેટલાક ધારાસભ્યોમાં રોષની લાગણી હતી. ચૂંટણી પછી ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યાની સહાનુભૂતિ લહેરમાં પણ ચૂંટાઈ આવનાર એ. કે. પટેલને ત્યાં રાત્રિભોજનની પાર્ટીમાં કેશુભાઈ પટેલ, નીતિન પટેલ સહિતના ૬૫ ધારાસભ્યોએ હાજરી આપી મોદી સામે બંડ પોકાર્યું હતું પરંતુ પછી કેન્દ્રીય નેતૃત્વ પડખે ઊભું રહેતા બધા વારાફરતી મોદીને મળી આવ્યા હતા અને કહ્યું હતું કે અમે તમારી સાથે જ છીએ, અમે તો વ્યક્તિગત રીતે જ ગયા હતા. સંઘ અને બાળાસાહેબ ઠાકરે નરેન્દ્ર મોદી પડખે રહેતાં તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન પદે ટકી ગયા હતા. ૨૦૨૪માં યોગી પણ ટકી ગયા છે. ઇતિહાસનું પુનરાવર્તન વીસ વર્ષે થયું છે. ૨૦૧૪ની જેમ ૨૦૨૯ કે ૨૦૩૪માં યોગી મોદીની જેમ દેશના સત્તાનાં સૂત્રો સંભાળશે? ઘણા વિશ્લેષકો તો એમ જ માને છે.