ચૂંટણી સુધારથી સંબંધિત બિલ એટલે કે ચૂંટણી કાયદો (સુધારા) બિલ, ૨૦૨૧ ને લોકસભાની મંજૂરી મળી ગઈ છે. આ બિલમાં વોટર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, એઆઈએમઆઈએમ, આરએસપી, બસપા જેવી પાર્ટીઓએ આ બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે બિલને વિચાર માટે સંસદની સ્થાયી સમિતિને મોકલવાની માંગ કરી હતી.
લોકસભામાં કાયદા મંત્રી કિરણ રિજિજૂએ ચૂંટણી કાયદો (સુધારા) બિલ, ૨૦૨૧ રજૂ કર્યુ. તેના માધ્યમથી જનપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧માં સંશોધન કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. વિપક્ષી સભ્યોની આશંકાઓને નિરાધાર ગણાવતા રિજિજૂએ કહ્યુ કે, સભ્યોએ તેનો વિરોધ કરવા માટે જે તર્ક આપ્યા છે, તે સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ સર્વોચ્ચ કોર્ટના નિર્ણયને અનુરૂપ છે.
બિલ રજૂ કરવાનો વિરોધ કરતા લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે, તે પુત્તુસ્વામી વિરુદ્ધઠ સરકાર મામલામાં સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની વિરુદ્ધ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, આપણે ત્યાં ડેટા સુરક્ષાનો કાયદો નથી અને ભૂતકાળમાં ડેટાનો દુરુપયોગ કરવાના મામલા પણ સામે આવ્યા છે.
ચૌધરીએ કહ્યું કે, તેવામાં આ બિલને પરત લેવું જોઈએ અને તેને વિચાર માટે સંસદની સ્થાયી સમિતિને મોકલવું જોઈએ. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યુ કે, આ પ્રકારે બિલ લાવવું સરકારની કાયદાકીય યોગ્યતાથી ઉપર છે. આ સિવાય આધાર કાયદામાં પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારથી આધારને ન જોડી શકાય. તેમણે કહ્યું કે, અમે તેનો વિરોધ કરીએ છીએ અને તેને પરત લેવું જોઈએ. તો તૃણમૂલ કોંગ્રેસના સૌગત રાયે કહ્યુ કે, આ બિલમાં સુપ્રીમ કોર્ટના નિયમનું ઉલ્લંખન છે અને મૌલિક અધિકારીની વિરુદ્‌ઠધ છે. તેથી અમે આ બિલનો વિરોધ કરીએ છીએ.
એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, આ બંધારણે આપેલા મૌલિક અધિકારો તથા નિજતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ બિલ ગુપ્ત મતદાનની જોગવાઈની પણ વિરુદ્ધ છે. તેથી અમે તેનો વિરોધ કરીએ છીએ.
કોંગ્રેસના શશિ થરૂરે કહ્યુ કે, આધારને માત્ર આવાસના પ્રમાણના રૂપમાં સ્વીકાર કરી શકાય છે, નાગરિકતાના પ્રમાણના રૂપમાં નહીં. તેવામાં તેને મતદાર યાદી સાથે જોડવું ખોટુ છે, અમે તેનો વિરોધ કરીએ છીએ.
આરએસપીના એન કે પ્રેમચંદ્રને કહ્યુ કે કોઈપણ વ્યક્તિના જીવન, નિજતા વગેરેના અધિકારોથી વંચિત ન કરી શકાય. પુત્તુસ્વામી વિરુદ્ધ ભારત સરકાર મામલામાં સર્વોચ્ચ ન્યાયાલયે પાયાના અધિકારો પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ મામલામાં મતદાતા યાદીને આધાર સાથે જોડવાથી બંધારણના આર્ટિકલ ૨૧નું ઉલ્લંઘન થાય છે.