અમરેલી સહિત સમગ્ર રાજયમાં આગામી તા.૭ મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારનો વિજય થાય તે માટે એડીચોટીનું જાર લગાવી રહ્યા છે. ત્યારે આ વખતે કોંગ્રેસે મહિલા સશક્તિકરણને આગળ વધારી શિક્ષિત મહિલા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમરને ટિકિટ આપી નગારે ઘા કર્યો છે. આજરોજ અંટાળીયા મહાદેવના સાંનિધ્યમાં મહાપ્રસાદમાં ભાગ લેવા આવેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સંજાગ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં પ્રતાપ દુધાતે જણાવ્યુ હતું કે,
અમરેલી જિલ્લાની જનતાને પ વર્ષમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો મોકો મળે છે ત્યારે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાન થકી યોગ્ય વ્યક્તિને સંસદ ભવનમાં મોકલવા જાઈએ. આ ચૂંટણી અમરેલી જિલ્લા માટે મહત્વની છે. ગરીબી, મોંઘવારી, ખેડૂત અને પછાત વર્ગને બચાવવા માટેની લડાઈ છે. લોકશાહીનું ગળુ મરડવાની શરૂઆત ભાજપે કરી છે. છેલ્લા પ વર્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિરોધ પક્ષને સાફ કરવાની નીતિ અપનાવી છે જે ખરેખર ખૂબ જ નિંદનીય છે.
કોંગ્રેસના આગેવાન તરીકે ડર છે ?
ડર અંગે પૂછાયેલા સવાલના જવાબમાં જણાવ્યુ હતું કે, પ્રતાપ દુધાત કોઈ સામાન્ય લોકોને મળે તો તેને ધમકાવવાની રાજનીતિ ભાજપ બંધ કરે. આવી રાજનીતિ કરવી હોય તો પ્રતાપ દુધાત સાથે કરો, સામાન્ય લોકો સામે નહિ. સરકારી તંત્રનો ઉપયોગ પ્રતાપ દુધાત સાથે કરો. અમે અંગ્રેજા સામે ડર્યા નથી તો ભાજપ સરકાર સામે શું ડરવાના. હું કોઈથી ડરતો નથી અને ડરવાની કોઈ વાત નથી. આ જિલ્લાના મતદારો ભૂતકાળમાં પણ કોઈનાથી ડર્યા નથી તો આજે શું કામ ડરે. લોકશાહીમાં વાત કરવાનો દરેકને અધિકાર છે. હું શુધ્ધ રાજનીતિ કરવાની અપીલ કરૂ છું. આ જિલ્લાના વિકાસમાં દરેક લોકો સાથે સહભાગી થઈને ભાઈચારાની રાજનીતિ ભૂતકાળના દરેક આગેવાનોને કરી ત્યારે આગામી સમયમાં પણ ધાક-ધમકી કે સરકારી તંત્રના દૂરઉપયોગ વિના તંદુરસ્ત રાજનીતિ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.
પ્રતાપ દુધાત હંમેશા ઝનૂની નેતા તરીકે ઉપસી આવે છે તેનુંં કારણ શું ?
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જણાવ્યુ હતું કે, જયારથી હું જાહેર જીવનમાં આવ્યો છું, ત્યારથી મે હંમેશા મારા માટે નહિ પરંતુ લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. સત્યને સાથ આપી જો કોંગ્રેસ પાર્ટી પણ ખોટુ કામ કરતી હોય તો તેની પણ શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી છે. હું રાજનીતિમાં ધંધા માટે નહિ પણ શોખથી આવ્યો છું. મારી વાત કરવાની પધ્ધતિ ખોટી નથી. જે પ્રમાણે ભાજપ સામન્ય લોકોને દબાવવાની વાત કરે છે તેનો હું વિરોધ કરૂ છું.