શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં હિંમતભાઈ ગોડા, મનોહરભાઈ ત્રિવેદી, ડા. રાજેન્દ્રભાઈ ખીમાણી અને અરૂણભાઇ દવે જેવા મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને મધુર કંઠે ગીતો રજૂ કર્યા હતા. ડા. રાજેન્દ્રભાઈ ખીમાણીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં શિક્ષણમાં ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું અને શિક્ષણ અંગે મૂલ્યવાન સૂચનો કર્યા હતા. દોસ્તભાઇ બ્લોચ સહિત અન્ય મહાનુભાવોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. વાલી પ્રતિનિધિ તરીકે ઘનશ્યામદાસ ગોંડલીયાએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.બપોરે ચાર વાગ્યે મેદાની કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પરેડ, અંગ કસરત, સિંગલ બાર, ડબલ બાર, સીડી, મલખમ, લાઠી અને લેજીમ જેવી વિવિધ કસરતો રજૂ કરી હતી. આ પ્રદર્શનથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.