લોકપ્રિય કન્નડ ટીવી એક્ટ્રેસ પવિત્રા જયરામનું એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. પવિત્રા જે પોતાના શા ત્રિનયની માટે જાણીતી હતી, ગઈકાલે હૈદરાબાદમાં તેની કાર બસ સાથે અથડાતાં તેનું મૃત્યુ થયું હતું. એક્ટ્રેસ બહેન અપેક્ષા, ડ્રાઈવર શ્રીકાંત અને એક્ટર ચંદ્રકાંત સાથે કારમાં સવાર હતી. તેના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
એક રિપોર્ટ મુજબ, આ ગંભીર અકસ્માત હૈદરાબાદના મહેબૂબ નગર પાસે સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, પવિત્રા કર્ણાટકના માંડ્યા જિલ્લાના હનાકેરેથી પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત નડ્યો હતો. એક્ટ્રેસની કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ. બાદમાં વાનપર્થીથી આવી રહેલી બસ કારની જમણી બાજુથી અથડાઈ હતી. આ અકસ્માતમાં ટીવી એક્ટ્રેસ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. જા કે, અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પવિત્રાના નિધનથી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. ફેન્સ એક્ટ્રેસને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. એક્ટર સમીપ આચાર્યએ એક્ટ્રેસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, “સવારે ઉઠતા જ આ દુઃખદ સમાચાર જાણવા મળ્યા. આ વાત પર સ્હેજ પણ વિશ્વાસ થતો નથી. મારી પ્રથમ આૅન-સ્ક્રીન માતા, તમે હંમેશા મારી માટે ખાસ રહેશો.”
ઉલ્લેખનીય છે કે, પવિત્રા કન્નડ અને તેલુગુ સિનેમાનો જાણીતો ચહેરો હતો. ‘તિલોત્તમા’ સિવાય તે તેલુગુ સીરિયલ ‘ત્રિનયની’ માટે પણ ચર્ચામાં રહી હતી.માસ્ટર આનંદ દ્વારા દિગ્દર્શિત કામેડી સિરીઝ – રોબોટ ફેમિલીથી પવિત્રાએ નાના પડદા પર કન્નડ ડેબ્યૂ કર્યું હતું. પવિત્રાએ નાના પડદાના મનોરંજનની દુનિયામાં પ્રવેશતા પહેલા બેંગલુરુમાં લાઈબ્રેરીયન અને સેલ્સ ગર્લ તરીકે પણ કામ કર્યું હતું. સાઈડ રોલથી માંડીને ડેઈલી સોપ્સમાં મુખ્ય ભૂમિકા ભજવવા સુધી, પવિત્રા જયરામે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.