એક અલગ લડાયક લોકનેતા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરીને લોકોના હૃદયમાં જગ્યા બનાવનાર વિઠ્ઠલભાઈ રાદડીયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયા હતા. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં ખોડલધામ સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજી લોકસેવાના માધ્યમથી લોકનેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડિયાના સુરગપરામાં આવેલી પટેલ વાડીમાં વેદ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી લોકનેતા વિઠ્ઠલભાઈની તસ્વીરને ફુલહાર કરી પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ, સ્વામિનારાયણ મંદિરના સંતો, કંથળનાથ મઢીના ભરતનાથ બાપુ, બિલેશ્વર મંદિરના વિભૂતિનાથ બાપુ અને સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં દીપ પ્રાગટય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સવારથી જ લોકનેતાને રક્તદાનરૂપી શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન માટે તમામ સમાજના યુવાનો અને લોકોએ જાગૃતતા દાખવી હતી અને કુલ ૧૧૫ બોટલ રક્તદાન કરી લોકેનેતા વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલી આપી હતી. રક્તદાન માટે બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો તો અને કેમ્પને સફળ બનાવ્યો તે બદલ આયોજકો તરફથી તમામ દાતાઓનો આભાર વ્યકત કરાયો હતો.