સૌરાષ્ટ્રમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાનો આ વેરિએન્ટ ખૂબ ઝડપથી ફેલાતો હોવાથી સતર્ક બનીને અમરેલીમાં તંત્ર દ્વારા આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી જિલ્લા તંત્ર દ્વારા ૧૩૦૦ બેડ, ડોક્ટરોની ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત જિલ્લામાં પાછલા થોડા દિવસોથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે.
અમરેલી જિલ્લામાં હાલ કોરોના ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. જોકે રાહતની વાત એ છે કે હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત બહારથી આવતાં લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેમની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના વિદેશમાં વસતાં ઘણા લોકો માદરે વતનમાં આવ્યા છે. તંત્ર દ્વારા આવા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેમના કોરોના ટેસ્ટ પણ કરાયા છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે અને આ સંજોગોમાં ઘણા નિષ્ણાતો ત્રીજી લહેરની શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લામાં શરદી, ઉધરસ, તાવનો રોગચાળો પણ વકર્યો છે, તેની સાથે તંત્ર દ્વારા કોવિડ ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. જિલ્લા તંત્ર કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી.
અમરેલી જિલ્લા તંત્રના સૂત્રોના કહેવા મુજબ, હાલ કોઈએ ગભરાવાની જરૂર નથી. જોકે, સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન થાય અને લોકો માસ્ક પહેરે તે જરૂરી છે. જો લોકો ગાઇડલાઇનનું પાલન નહીં કરે તો પોલીસ દ્વારા દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ કારણે અમરેલીનો મૃત્યુઆંક અન્ય જિલ્લાથી ઓછો
કોરોના વખતે અમરેલી જિલ્લો આશરે બે મહિના સુધી સંક્રમણ મુક્ત રહ્યો હતો. પોલીસ તંત્રની કડક કાર્યવાહીના કારણે આ શક્ય બન્યું હતું. જોકે અમરેલી જિલ્લાની અને પોલીસ તંત્રની ટીકા કરતાં લોકો સોશિયલ મીડિયામાં કહેતા હતા કે અમરેલી દર વખતે નાટક જ કરે છે. પરંતુ આવા પરિબળોએ સમજવાની જરૂર છે કે આ નાટકના કારણે જ અમરેલી જિલ્લાનો મૃત્યુઆંક રાજ્યના અન્ય જિલ્લાની તુલનામાં ઘણો ઓછો છે. આ વખતે પણ કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ જિલ્લામાં તાંડવ મચાવે તે પહેલા જ તંત્રએ કડક કામગીરી શરૂ કરી દીધી છે.

વિદેશથી આવેલા લોકોને કરાયા ક્વોરન્ટાઈન
ઓમિક્રોનના ખતરાને લઈ તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. અમરેલી જિલ્લામાં બહારથી આવેલા ૪૫ જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ તમામ વ્યવસ્થા પર કલેક્ટર સીધી નજર રાખી રહ્યાં છે.