અમદાવાદમાં મહિલાઓ પરના પોસ્ટરને કારણે મોટો વિવાદ પેદા થયો છે. પોસ્ટરમાં મહિલાઓ લેટ નાઈટ પાર્ટીઓથી દૂર રહેવાની સલાહ અપાઈ હતી.
‘લેટ નાઈટ પાર્ટીમાં જવું રેપ કે ગેંગરેપને આમંત્રણ આપી શકે’ છે, મહિલાઓને વિવાદાસ્પદ સલાહ આપતાં પોસ્ટર અમદાવાદમાં લાગતાં હોબાળો મચ્યો હતો. હવે આ વિવાદાસ્પદ પોસ્ટરમાં મોટા ખુલાસા સામે આવ્યાં છે હકીકતમાં અમદાવાદ પોલીસે જનજાગૃતિ માટે વસ્ત્રાપુર, ઘાટલોડિયા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં આવા ચાર રસ્તા પર આવા પોસ્ટર લગાવ્યાં હતા. વાહન ચાલકો અને રાહદારીઓ પણ આવા પોસ્ટર જાઈને હેરતમાં મૂકાયા હતા.
પહેલા પોસ્ટરમાં એવું લખાયું હતું લેટ નાઈટ પાર્ટીઓમાં જવું રેપ કે ગેંગરેપને આમંત્રણ આપી શકે છે. બીજા એક પોસ્ટરમાં લખ્યું હતું કે, ‘ મહિલાઓએ અંધારા અને નિર્જન વિસ્તારોમાં ન જવું જાઈએ, તમારી સાથે બળાત્કાર અથવા સામૂહિક બળાત્કાર થઈ શકે છે. અર્થાત આ પોસ્ટર દ્વારા પોલીસ મહિલાઓને ચેતવવા માગતી હતી કે મોડી રાત સુધી રખડવું સારુ નથી, તમારી સાથે કંઈ પણ બની શકે છે.
પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ પોસ્ટરો ‘સતારકટા’ નામની સંસ્થા દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. ડીસીપી (ટ્રાફિક વેસ્ટ) નીતા દેસાઈ અને એસીપી (ટ્રાફિક એડમિન) શૈલેષ મોદીએ જણાવ્યું હતું કે પોલીસને પોસ્ટરોની સંપૂર્ણ સામગ્રીની જાણ નહોતી અને વિવાદ વધતાં જ તેને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા. એસીપી (ટ્રાફિક) એનએન ચૌધરીએ કહ્યું, ‘અમે ક્યારેય આવી ભાષાને મંજૂરી આપી નથી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદની ગણતરી ભારતના સૌથી સુરક્ષિત તરીકે થઈ રહી છે. તાજેતરમાં નમ્બિઓહ દ્વારા જાહેર રિપોર્ટ પ્રમાણે, અમદાવાદને ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મળ્યું છે જ્યારે એશિયામાં ૨૯મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.









































