જાફરાબાદ શહેર અને આસપાસના ગામડાઓમાં છેલ્લા ઘણા દિવસોથી મોબાઈલ નેટવર્કનાં ધાંધીયાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેનાં કારણે જાફરાબાદ પંથકના લોકોમાં મોબાઈલ ઓપરેટર કંપનીઓ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જાફરાબાદ પંથકમાં આઈડીયા-વોડાફોન એટલે વીઆઈ, જીયો, બીએસએનએલ સહિતની ખાનગી અને સરકારી કંપનીઓના ટાવર આવેલા છે. પરંતુ હાલ નેટવર્કના ધાંધીયાના કારણે આ ટાવરો શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. આધુનિક યુગમાં મોટાભાગના કામો, ઈમરજન્સી પરિવાર સાથે કોન્ટેક્ટ કરવા મોબાઈલ એક જરૂરીયાત બની છે. ત્યારે નેટવર્કના ધાંધીયાથી લોકોને વાતચિત સહિતની સેવાઓમાં પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આ અંગે શૈલેષભાઈ વઢવાણા, ગૌરાંગભાઈ, જયેશભાઈ ઠાકર, હમીરભાઈ સોલંકી, વિરમબાપુ જાડેજા સહિત જાફરાબાદની નાની-મોટી સંસ્થાઓ, વેપારીઓ, આગેવાનોએ અનેક રજૂઆત કર્યા બાદ પણ આ સમસ્યાનું નિરાકરણ થતુ નથી. ત્યારે હાલમાં જ મોબાઈલ ઓપરેટર કંપનીઓ દ્વારા રિચાર્જનાં ભાવોમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે યોગ્ય સેવા મળતી ન હોય અને લોકોને લૂંટવામાં આવી રહ્યા હોવાની બૂમરાણ મચી છે.