આગામી ૧૨ નવેમ્બરથી જૂનાગઢમાં લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે.આ પરિક્રમા કરવા જવા માટે શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ૫૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.
મળતી વિગત મુજબ જૂનાગઢમાં લીલી પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. દર વર્ષે ગરવા ગિરનારની પરિક્રમા કરવા માટે ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, જેમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી લોકો લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચે છે, જેથી રાજકોટ એસટી ડિવિઝન વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝન એસ.ટી. વિભાગના નિયામક જે.બી.કરોતરાના જણાવ્યા મુજબ લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોમાંથી પરિક્રમા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. એસ.ટી.વિભાગ દ્વારા ૫૦ થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે.
કોઈ પણ મુસાફરોને પરિક્રમામાં જવા માટે પુરતા પ્રમાણમાં એસ.ટી. બસ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. લીલી પરિક્રમા માટે સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાંથી મુસાફરો આવતા હોય છે.તે તમામ મુસાફરોને ધ્યાનમાં રાખીને બસની વ્યસ્થા કરવામાં આવી છે.