લીલીયા શહેરમાં લાઠી રોડ પર પટેલ વાડી પાછળ એટીવીટી યોજના હેઠળ ચાર લાખ રૂપિયાના ખર્ચે બનેલો સીસી રોડ માત્ર ચાર મહિનામાં જ તૂટી ગયો છે.
આ રોડમાં મોટી તિરાડો જોવા મળી રહી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ વિસ્તારના લોકોનું કહેવું છે કે આ રોડનું કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી અને તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ચાર લાખ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચવા છતાં રોડની આવી હાલત જોઈને લોકો આશ્ચર્યચકિત છે. રોડમાં પડેલી મોટી તિરાડો સ્પષ્ટપણે નબળી ગુણવત્તાની કામગીરીની ચાડી ખાય છે.આ બાબતે સ્થાનિક લોકો અને આગેવાનોએ માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે સંબંધિત અધિકારીઓ અને સરકાર દ્વારા સ્થળ પર જઈને તપાસ કરવામાં આવે. તપાસ બાદ જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગણી આ વિસ્તારની આમ જનતા કરી રહી છે. લોકોનું કહેવું છે કે આ રોડના નિર્માણમાં થયેલી ગેરરીતિઓની તપાસ થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં ભરવા જોઈએ.