લીલીયા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડતા કમોસમી વરસાદને કારણે તાવ, શરદી અને ઉધરસ જેવી મોસમી બીમારીઓએ માથું ઉંચક્યું છે. શહેરની બજારોમાં કાદવ, કીચડ અને વરસાદી પાણી ભરાતા માખી-મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે લોકો આરોગ્ય સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. સરકારી હોસ્પિટલ શહેરથી દૂર હોવાથી અને આરોગ્ય કર્મચારીઓ શહેર બહાર રહેતા હોવાથી નિયમિત ડોર ટુ ડોર તપાસણી શક્ય બની નથી. પરિણામે દર્દીઓ ખાનગી દવાખાનાઓમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં તબીબો મનફાવે તેવી ફી વસૂલતા હોવાના આક્ષેપ ઉઠ્યા છે. હાલ સ્થાનિક આરોગ્ય વિભાગ તાત્કાલિક ડોર ટુ ડોર સર્વે હાથ ધરી યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવે તેવી માંગણી ઈમરાન પઠાણની અખબારી યાદીમાં કરવામાં આવી છે.






































