લીલીયા મોટા ગામે ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના નાવલી બજાર, મેઇન બજાર, ભરવાડ શેરી, મફતપરા, સાઈનાથ પરા, સંધી સોસાયટી, ગઢ શેરી વિસ્તારમાં મસમોટા ખાડાઓ પડેલા છે સાથોસાથ શહેરમાં ગંદા પાણીની રેલમછેલ હોવાથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગંદા પાણીમાં વાહન ચાલતા હોવાથી શુભ પ્રસંગે આવતા લોકોના કપડા પણ બગડે છે તેમજ વાહનોને કારણે ગંદા પાણીના છાંટા ઉડતા હોવાથી વાહનચાલકો સાથે માથાકૂટ પણ થાય છે. આમ લીલીયા શહેરમાં પડેલા મોટા ખાડાઓનું તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે અને ગટરના ગંધાતા પાણીમાંથી તાત્કાલિક છુટકારો મળે તેવી લોકોએ માંગ કરી છે.








































