લીલીયા – લાઠી રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી આ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તે માટે અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ કુમાર દુધાતે રજૂઆત કરી છે. વિપુલ કુમાર દુધાતે રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઇ મોદીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, લીલીયાથી લાઠી રોડનું કામ શરૂ કરવામાં આવતાં આ પંથકના લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી આ માર્ગનું કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી લોકો હવે માર્ગના કામને લઇને હાલાકી ભોગવી રહ્યાં છે. ટૂંક સમયમાં ચોમાસુ નજીક હોય ત્યારે ઝડપથી આ માર્ગનું કામ પુરૂ કરવામાં નહી આવે તો ચોમાસા દરમિયાન વાહન વ્યવહાર બંધ થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. જેથી તાત્કાલિક માર્ગનું કામ ઝડપથી પુરૂ કરવા રજૂઆત કરી છે.