અમરેલી જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર અને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે લીલીયા ખાતે બંધ કરવામાં આવેલો રેલવે રેન્ક પોઈન્ટ તાત્કાલિક ફરીથી શરૂ કરવાની માંગણી ગુજરાત ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા દ્વારા કરવામાં આવી છે. તેમણે આ અંગે કેન્દ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને
વિસ્તૃત રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે, અમરેલી જિલ્લો સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર છે અને અહીંયા ખેતીવાડીની સિઝનમાં રાસાયણિક ખાતરોની ખૂબ જ મોટી માંગ રહે છે. હાલમાં જિલ્લામાં ડી.એ.પી. અને યુરિયા ખાતર ટ્રાન્સપોર્ટ દ્વારા વિતરકો સુધી પહોંચાડવામાં આવે છે. ઘણી વખત જૂનાગઢ અથવા ભાવનગર રેલવે રેન્ક પોઈન્ટથી ખાતરની ફાળવણી થાય છે, પરંતુ ત્યારબાદ ટ્રકો સમયસર ન મળવાને કારણે અથવા તો પહોંચાડવામાં થતા વિલંબના કારણે ખેડૂતોને ખાતર મોડું મળે છે, જેનાથી તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હિરેનભાઈ હિરપરાએ ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું હતું કે, અગાઉ અમરેલી જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરું પાડવા માટે રેલવે વિભાગ દ્વારા લીલીયા ખાતે રેન્ક પોઈન્ટ ફાળવવામાં આવ્યો હતો, જે ચાર-પાંચ વર્ષથી કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. તેમણે આ રેન્ક પોઈન્ટને તાત્કાલિક ફરીથી શરૂ કરવા માંગ કરી છે.