લીલીયા મોટાની તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પ્રાસંગિક પ્રવચનમાં ૨૪ એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી શું કામ કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે ૧૯૯૨માં બંધારણમાં ૭૩મો સુધારો લાગુ થવાથી પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવેલ છે. તેમણે ગરીબી મુક્ત ઉન્નત આજીવિકા યુક્ત ગામ, સ્વચ્છ ગામ, બાળકો માટે અનુકૂળ ગામ, પાણી પર્યાપ્ત ગામ, સ્વચ્છ અને હરિયાળું ગામ, આત્મનિર્ભર માળખાકીય સુવિધા ધરાવતું ગામ, સામાજિક રીતે સુરક્ષિત ગામ, સારા શાસનવાળુ ગામ, મહિલાઓ માટે સુરક્ષિત ગામ સહિતની સુખાકારી વિશે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. આ તકે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલ. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન નાકરાણી, રાશિભાઈ ડેર, સરપંચ જીવનભાઈ વોરા, તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વિછીયા સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.