લીલીયા મોટા ગામના પૂર્વ ઉપસરપંચ બાબુભાઈ ધામતે તાલુકા વિકાસ અધિકારી, લીલીયાને લેખિત રજૂઆત કરીને લીલીયા મોટા ગ્રામ પંચાયતમાં સફાઈ બાબતે દાખવેલી ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતાને કારણે શહેર જેવડા લીલીયા મોટા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. બાબુભાઈ ધામતે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે, ગામના બજાર રસ્તાઓ ગટરના પાણી, કચરા અને ગંદકીના ઢગલાથી ખદબદી રહ્યા છે. જેના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. ગામના અનેક વિસ્તારના રહીશો દ્વારા તેમને વારંવાર મૌખિક ફરિયાદો મળી રહી છે, પરંતુ ગ્રામ પંચાયતની સફાઈ અને આરોગ્ય સુખાકારીની સુવિધાઓ આપવા બાબતે તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યું છે અને લોકોની રજૂઆતોને ધ્યાને લેવાતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર તરફથી સફાઈને લગતા તમામ સાધનો પૂરા પાડવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. આ ઉપરાંત, ગ્રામ પંચાયતને વેરા, ઓક્ટ્રોય અને નાણા પંચમાંથી પણ પૂરતી નાણાકીય વ્યવસ્થા સમયસર પૂરી પાડવામાં આવતી હોવા છતાં, ગ્રામ પંચાયત કોઈ ધ્યાન આપતી નથી અને લોકોની રજૂઆત તેમજ ઉપલા અધિકારીઓની સૂચનાને પણ ઘોળીને પી જાય છે. પૂર્વ ઉપસરપંચે તાલુકા વિકાસ અધિકારીને લીલીયા ગામના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને આ બાબતે તપાસ કરવા વિનંતી કરી છે.