લીલીયા મોટા સ્થિત સહકાર ભવન ખાતે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ઉપક્રમે ૩૯મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૯૨ દર્દીઓએ લાભ લીધો હતો. આંખના નિષ્ણાત ડા. રવિ પરમાર અને તેમની ટીમે મોતિયો, જામર સહિતના આંખના રોગોનું નિદાન કર્યું હતું. જરૂરિયાતમંદ ૮ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલી ખાતે નેત્રમણી બેસાડવામાં આવી હતી. કેમ્પમાં ૧૬ વ્યક્તિઓને રાહત દરે ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) અને અન્ય સેવાભાવી વ્યક્તિઓએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. નિયમિત રીતે દર મહિનાના પહેલા ગુરુવારે ઉમિયાધામ લીલીયા મોટા ખાતે આ કેમ્પનું આયોજન થાય છે.