લીલીયા મોટા ખાતે લેઉઆ પટેલ સમાજ વાડીમાં સંત શિરોમણી ભોજલરામ બાપાના ૨૪૦મા પ્રાગટ્ય દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લીલીયાના સરપંચ જીવનભાઈ વોરાના પરિવારે ભોજલરામ બાપાના મંદિર પર કળશ ચઢાવીને ઉજવણીની શરૂઆત કરી હતી. આ કળશ યાત્રા એક આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં લેઉઆ પટેલ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કળશની સ્થાપના વિધિવિધાનથી કરવામાં આવી હતી, ત્યારબાદ ભોજલરામ બાપાની ભક્તિભાવથી સમૂહ આરતી અને પૂજાનું આયોજન થયું હતું. સમાજ દ્વારા પટેલ વાડી ખાતે એક સેવાકીય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને અન્ય લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, દિવસ દરમિયાન લેઉઆ પટેલ સમાજની વાડીમાં સમૂહ પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ભાજપ અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, ચતુરભાઈ કાકડીયા, ડો. કુંભાણી, ભરતભાઈ ઠુંમર, વિજય ભાલાળા, ઘનશ્યામ મેઘાણી જેવા રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સમાજના યુવાનો, માતાઓ અને બહેનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.










































