લીલીયા મોટામાં ઓનલાઇન નોકરી શોધતી એક મહિલા સાયબર ઠગનો શિકાર બની હોવાની ઘટના સામે આવી છે. નોકરી અપાવવાના બહાને ઠગે મહિલાને વિશ્વાસમાં લઈ તેના બેંક ખાતામાંથી નાણાં પડાવી લીધા હતા.આ અંગે વિશાલભાઇ મુકેશભાઇ વઢવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પત્ની માનસીબેને પાર્ટ ટાઈમ નોકરી મેળવવા માટે જાણીતી વેબસાઈટ ‘Quikr’ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. આ પ્રોફાઈલના આધારે અજાણ્યા ઠગબાજોએ તેમનો સંપર્ક કર્યો હતો. ફોન કરનાર શખ્સે પોતાની ઓળખ ‘Quikr’ વેબસાઈટના કર્મચારી તરીકે આપી હતી.આરોપીએ માનસીબેનને વિશ્વાસમાં લીધા હતા કે તેમણે નોકરી મેળવવા માટે જે પ્રોફાઈલ બનાવી છે, તેને પહેલા કેન્સલ કરવી પડશે અને ત્યારબાદ NOC ક્લિયર કરાવવું પડશે. ઠગે એવી લાલચ આપી હતી કે નોકરી મળી ગયા પછી NOC પેટે ભરેલા તમામ નાણાં રિફંડ મળી જશે. નોકરીની લાલચમાં આવી ગયેલા માનસીબેને આરોપીની વાતોમાં આવીને પોતાના બેંક ખાતામાંથી Google Pay મારફતે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.૩,૯૫૦ ટ્રાન્સફર કર્યા હતા.નાણાં ટ્રાન્સફર કર્યા બાદ નોકરી ન મળતા અને ઠગનો સંપર્ક ન થતા, આ મામલે હવે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.