લીલીયા શહેરમાં કેન્દ્ર સરકારની ઓટેકા યોજના અને રાજ્ય સરકારની જળ જીવન મિશન યોજના હેઠળ ‘નલ સે જલ’ યોજનાની રૂપિયા ૯ કરોડના ખર્ચે કરવામાં આવેલી કામગીરી બાદ હવે હાઉસ કનેક્શન આપવાનો વર્ક ઓર્ડર મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ સિદ્ધિ પાછળ ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરાની અથાગ મહેનત રંગ લાવી છે. આ યોજના હેઠળ લાઠી રોડ ગૌશાળા નજીક ૩૩ લાખ લિટર પાણીની ક્ષમતાવાળો સમ્પ, શહેરના જુદા જુદા ત્રણ ઝોનમાં ઊંચી ટાંકી અને ૩૨ કિલોમીટર વિસ્તારમાં પાણી વિતરણ માટે પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા બોર્ડ કચેરી દ્વારા તેનું ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે. હાઉસ કનેક્શનની કામગીરી માટે વાસ્મો યોજનામાં ગ્રામ પંચાયત દ્વારા ૧૦% લોકફાળો ભરવાનો થતો હતો. સ્થાનિક ગ્રામ પંચાયતની આર્થિક સ્થિતિ બરાબર ન હોવા છતાં, સરપંચ જીવનભાઈ વોરા સહિતના સત્તાધીશોએ બાકી વેરા વસૂલાત અંગે કાળજી દાખવી અને કચેરી વહીવટી ખર્ચ ઘટાડીને વાસ્મોમાં રૂપિયા ૧૦ લાખની ફાળાની રકમ (૧૦% લેખે) ભરી હતી. આ પ્રયાસોના પરિણામે, શહેરના ૩૩૦૦ પરિવારોને ‘નલ સે જલ’ યોજના હેઠળ હાઉસ કનેક્શન આપવા માટે વર્ક ઓર્ડર મળ્યો છે.









































