અમરેલી જિલ્લામાં ખરીફની સિઝન દરમ્યાન માવઠાથી તમામ ખેતી પાકોને થયેલ નુકસાનીનું વળતર ચુકવવા બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી, ટીકુભાઈ વરુ, વલ્લભભાઈ ઝિંઝુવાડીયા સહિતના કોંગ્રેસી આગેવાનોની ઉપસ્થિતિમાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન લીલીયા મોટાના લાઠી રોડ, સરદાર ચોક ખાતે યોજાયું હતું. આ આંદોલનની સાથે સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યું હતું કે, તાજેતરના સતત માવઠા અને અતિ ભારે વરસાદના કારણે ઉભેલા તથા ખળા/પડામાં પડેલા ખેતી પાક ઉપજોને ભારે નુકસાન થયેલ છે. અમારા તારણ અનુસાર કપાસ અને સોયાબીન સહિતની કૃષિ ઉપજને ઉભા છોડવે જ નવીન કોટા ફૂટી જવા, મગફળીના પાથરા તણાઈ જવા, દાણા ફૂટી જવા, વરસાદના વહેણમાં તણાઈ જવાના કારણે પાક સહિત પાલો પશુચારાનું સંપૂર્ણ ધોવાણ સહિત અન્ય તમામ કૃષિ પાકોને ખર્ચ અને ઉપજ સહિત સરેરાશ દરેક વિઘા દીઠ અંદાજીત ઓછામાં ઓછુ રૂ. ૫૦,૦૦૦ જેટલું ભારે મોટુ નુકસાન વેઠવાનો વારો આવેલ છે. આથી સમગ્ર જિલ્લામાં સત્વરે તાલુકાના દરેક ગામદીઠ પાક નુકસાનીનો સામૂહિક સર્વે કરાવવા, લીલો દુષ્કાળ જાહેર કરાવવા, તમામ કૃષિ ઉપજો ઉપરના તમામ કરવેરા રદ કરવા, નકલી ખાતર-બિયારણ અને દવા ઉપર નિયંત્રણ લાવવા, પાણી પત્રકની સરકારી રાહે કાયમી નોંધણી કરાવવા, નકલી દૂધ ઉત્પાદકો ઉપર સત્વરે તવાઈ લાવવા, સેટેલાઈટથી જમીન માપણીની પ્રથા રદ કરવા અને પશુચારાનું આગોતરુ આયોજન કરવાની માગણી છે. આ તકે તાલુકામાંથી ખેડૂતો-કોંગ્રેસી આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.