લીલીયા મોટા ગામમાં ગટર વ્યવસ્થાની ગંભીર સમસ્યા અંગે જિલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને પત્ર લખ્યો છે. દુધાતે પત્રમાં જણાવ્યું છે કે ૧૦ વર્ષ પહેલાં બનાવવામાં આવેલી ગટર વ્યવસ્થા હવે ગંભીર સમસ્યાઓ ઊભી કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ, “જ્યાં સુધી ગ્રામ પંચાયત નિયમિત જાળવણી કરતી હતી, ત્યાં સુધી વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી યોગ્ય જાળવણીના અભાવે પરિસ્થિતિ કથળી છે.” આ સમસ્યાની અસર નાવલી બજાર, મેઈન બજાર, સાઈનાથ પરા, હનુમાન પરા અને અન્ય રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફેલાઈ રહ્યું છે, જેના કારણે કાદવ-કીચડ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિએ સ્થાનિક વેપાર પર નકારાત્મક અસર પાડી છે, કારણ કે ગ્રાહકો ખરીદી માટે આવવાનું ટાળી રહ્યા છે. આ સ્થિતિથી રોગચાળો ફેલાવાનું જોખમ પણ ઊભું થયું છે. તેમણે ધારાસભ્ય કસવાલાને વિનંતી કરી છે કે તેઓ જિલ્લા અને તાલુકા અધિકારીઓ સાથે મળીને સ્થળ તપાસ કરે અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે.