લીલીયા મોટા ગામે સાસરીયાઓ દ્વારા પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાની વધુ એક ઘટના સામે આવી હતી. ઘરકામ અને કરિયાવર જેવી ક્ષુલ્લક બાબતોમાં પરિણીતાને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સેમીનાબેન ગુલમહમદભાઇ મિર્જા (ઉ.વ.૩૯)એ નડિયાદમાં રહેતા પતિ નિસારઅહેમદભાઇ અબ્દુલરહિમ ભાઇ મોમીન, અંજુમનબેન અબ્દુલરહિમ ભાઇ મોમીન, અબ્દુલરહિમભાઇ નુરમહમદભાઇ મોમીન તથા નફિસાબેન અબ્દુલરહિમભાઇ મોમીન સામે ફરિયાદ નોંધાવી હતી. લીલીયા મોટામાં રહેતી પરિણીતાને તેના સાસરી પક્ષના સભ્યો દ્વારા છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરવામાં આવતી હતી. આરોપીઓએ એકસંપ થઈ પરિણીતાને નીચે મુજબની રીતે ત્રાસ આપ્યો હતો. ઘરકામમાં નાની-નાની ભૂલો કાઢી તેમજ કરિયાવર બાબતે અવારનવાર મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વાત ઉગ્ર બનતા આરોપીઓએ પરિણીતાને ગાળો આપી, શરીરે ઢીકાપાટુનો મૂઢમાર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઇ વલકુભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.