લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરીમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને સ્થાનિક વતની એવા કિશોરભાઈ આચાર્યને બઢતી સાથે બદલી થતાં સમગ્ર તાલુકા પરિવાર તરફથી ભાવભીનું વિદાયમાન આપવામાં આવ્યું છે.કિશોરભાઈ આચાર્યએ વર્ષ ૧૯૮૮માં જુનિયર ક્લાર્ક તરીકે પોતાની સેવા શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ સિનિયર ક્લાર્ક અને ૨૦૧૭થી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે સફળતાપૂર્વક કાર્યરત હતા. તેમણે પોતાની આગવી આવડતથી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડ્યો હતો. હવે તેઓ ફાગવેલ (જી. ખેડા) ખાતે તાલુકા વિકાસ અધિકારી TDO તરીકે પ્રમોશન સાથે પદભાર સંભાળશે.આ પ્રસંગે સરપંચ એસોસિએશન અને સ્ટાફ દ્વારા કિશોરભાઈને શાલ તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આ સાથે જ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી ગોહિલનું પણ પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ સ્ટાફ અને સરપંચો માટે સ્નેહભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.










































