લીલીયા તાલુકાની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી (મામલતદાર કચેરી)માં છેલ્લા આઠ-દસ મહિનાથી વોટર ફિલ્ટર બંધ હાલતમાં હોવાથી અરજદારો અને કર્મચારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પીવાના પાણીની આ ગંભીર સમસ્યાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કચેરીના મામલતદાર દ્વારા આ સમસ્યા અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કલેક્ટર કચેરીમાં કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. પરિણામે, કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના અંગત ખર્ચે બહારથી પાણી મંગાવીને અરજદારો અને સ્ટાફની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. અરજદારો અને સ્ટાફ દ્વારા તંત્રને તાકીદે આ સમસ્યાનું નિવારણ લાવવા માટે માંગ કરવામાં આવી છે. તેમની માંગ છે કે વહેલામાં વહેલી તકે બંધ પડેલા વોટર ફિલ્ટરનું રીપેરીંગ કરવામાં આવે અથવા તો નવું વોટર ફિલ્ટર મૂકીને પીવાના પાણીની સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે.










































