મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના વતની અને હાલમાં સરથાણા ગઢપુર રોડ પર જય રણછોડ નગરમાં રહેતા ૨૮ વર્ષીય હાર્દિક ચતુરભાઈ ગાજીપરા, હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. હીરામાં મંદીને કારણે હાર્દિકની નોકરી છૂટી ગઈ હતી. જેથી, તે ટેન્શનમાં આવી બીમાર થઈ ગયો હતો અને તેની બીમારીની દવા પણ ચાલતી હતી. હાર્દિક માનસિક તણાવમાં ઘરમાં પરિવારની સામે મને દવા અથવા પૈસા આપોનું રટણ કરતો હતો. ગઇકાલે સાંજે હાર્દિકે ઘરે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેને ઊલટી થઈ હતી. જેથી, પરિવારજનોને ઝેરી દવા પીધી હોવાની જાણ થતાં હાર્દિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હાર્દિકનું મોત નિપજ્યું હતું. પોલીસ તપાસમાં હાલ હીરામાં મંદીને કારણે નોકરી છૂટી જવાને કારણે માનસિક તણાવમાં આવી હાર્દિકે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.