લીલીયાથી સનાળીયા માર્ગ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો. લીલીયાથી ખારા ગામ જઈ રહેલી એક છકડો રિક્ષા સાથે અન્ય એક રિક્ષા સાઈડમાં અથડાતા આ અકસ્માત થયો હતો. આ છકડો રિક્ષામાં કુલ ૮ મુસાફરો સવાર હતા, જે રિક્ષા અથડાવાને કારણે રસ્તાની બાજુમાં આવેલા ખાળિયામાં પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં ખારા ગામના વતની ૬૦ વર્ષીય દેવાભાઈ બતાડાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઉપરાંત, રિક્ષામાં સવાર અન્ય ૭ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી ગંભીર રીતે ઘવાયેલા ૪ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે તાત્કાલિક અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં લીલીયા પોલીસ દ્વારા આ અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.