અમરેલી જિલ્લાનો લીલીયા તાલુકો હાલ જાણે રામભરોસે ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કુલ ૩૭ ગામડાં ધરાવતો આ તાલુકો ટીડીઓ, મામલતદાર, એક્ઝિક્યુટિવ મામલતદાર, ગ્રામ પંચાયત મંત્રી અને રેવન્યુ મંત્રી જેવા મુખ્ય અધિકારીઓ વિના અધ્ધરતાલ છે. પરિણામે, અરજદારોના કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે અને લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રોજ કમાઈને ખાતા ગ્રામજનો પોતાની મજૂરી છોડીને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓની ગેરહાજરીના કારણે તેમને ધરમનો ધક્કો જ થાય છે. ગ્રામ પંચાયતોમાં પણ કાયમી મંત્રીઓના બદલે ૩-૪ ગામોનો ચાર્જ સંભાળતા મંત્રીઓ છે, જેથી કોઈ પણ ગામમાં કાયમી ધોરણે કામ થતા નથી. અરજદારો પોતાની રજૂઆત કોને કરવી તે સમજી શકતા નથી અને તેમની વાત સાંભળનાર કોઈ નથી. તાલુકામાં કાયમી કર્મચારીઓની સંખ્યા પણ ખૂબ ઓછી છે અને મોટાભાગના કર્મચારીઓ રોજમદાર હોવાથી કામગીરી પર તેની નકારાત્મક અસર પડી રહી છે. હાલ વિદ્યાર્થીઓને નવા એડમિશન માટે જરૂરી આવકના દાખલા અને અન્ય કાગળો પર સહી-સિક્કા કરાવવાની તાતી જરૂર છે, પરંતુ અધિકારીઓ જ ન હોવાથી તેમના ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. તાલુકાના આગેવાનો, ધારાસભ્ય અને સાંસદ આ ગંભીર પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં જાણે કે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે. લોકો સ્પષ્ટપણે અધિકારીઓની તાત્કાલિક નિમણૂક થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ તાલુકામાં હંમેશા નિવૃત્તિને આરે આવેલા અથવા ટૂંકાગાળા માટે જ (બેથી છ મહિના) અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે, જેના કારણે ક્યારેય સ્થાયી વહીવટ જોવા મળતો નથી. આ સ્થિતિ લીલીયા તાલુકાના વિકાસ અને જનજીવન પર ગંભીર અસર કરી રહી છે.