લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત સરપંચો, સભ્યો અને તલાટી કમ મંત્રીઓ માટે વર્કશોપ/તાલીમ યોજાઈ હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યાની ઉપસ્થિતિમાં નીલકંઠ મહાદેવ મંદિર પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજાયો. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રવાહી તથા ઘન કચરા નિકાલ માટેની સરકારની યોજનાઓ અંગે માહિતગાર કરાયા હતા. ધારાસભ્ય કસવાલાએ લીલીયા તાલુકામાં જળસંચય અભિયાન અને ગામોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્યે પંચાયત ધારા-નિયમોની વિસ્તૃત તાલીમ આપી હતી. આ પ્રસંગે લીલીયા તાલુકાના ૨૦ જેટલા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવણીના હુકમો એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં મામલતદાર બી.એસ. પટેલ સહિત તાલુકા ભાજપના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.