લીલીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી દર્દીઓ, એમ્બ્યુલન્સ અને વાહનોને પહોંચવામાં ગંભીર મુશ્કેલી સર્જાઈ રહી છે. લીલીયા-પીપળવા રોડ પર આવેલ રેલવે ટ્રેક સતત વ્યસ્ત રહે છે અને ફાટક વારંવાર બંધ રહેતા દર્દીઓને ઇમરજન્સી સારવારમાં મોડું થાય છે. આરોગ્ય સેવાઓ પર પડતા આ નકારાત્મક પ્રભાવને ધ્યાનમાં રાખી, રેલવે ટ્રેક નીચે ગરનાળું બનાવવા માટે તાત્કાલિક યોજના ઘડવાની માંગણી ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ કરી છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરીને દર્દીઓને રાહત મળે, જીવ બચી શકે અને આરોગ્ય સેવા વધુ સુલભ બને તે માટે ત્વરિત પગલાં લેવાની વિનંતી કરી છે.