લીલીયામાં રહેતા અને વેપાર કરતાં એક યુવકને ત્રણ લોકોએ ગાળો આપી હવે પછી અમારું નામ લઈશ તો જીવતો રહેવા નહીં દઈએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેનાથી ફફડી ઉઠેલા પ્રતિકભાઈ દિનેશભાઇ અગ્રાવત (ઉ.વ.૨૨)એ ખારા ગામના અમીતભાઈ ગરનીયા તથા તેની સાથે રહેલા બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ લીલીયા ટાઉનમાં લાઠી રોડે આવેલ મીરા પાનના ગલ્લાની બાજુમાં રોડ પર ઉભા હતા તે દરમિયાન આરોપીઓએ આવીને કહ્યું કે, આજે મેળામાં આ છોકરો હતો અને આપણી સાથે માથાકૂટ કરી હતી. જેથી તેમણે ના પાડતાં ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી હવે પછી અમારું નામ લઈશ તો જીવતો રહેવા નહીં દઈએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.પી.વેગડા વધુ તપાસ કરી રહ્યા છે.