લીલીયા મોટામાં વારંવાર સર્જાતા વીજફોલ્ટને લઈને લીલીયા તાલુકા ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ દ્વારા સાંસદ ભરતભાઈ સુતરીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયુ છે કે, લીલીયા મોટા ગામે નાના-મોટા થઈને અંદાજે ૭૦ જેટલા હીરાના કારખાના અને નાના ઉદ્યોગ આવેલા છે. અને અંદાજે ૩ હજાર કરતા વધારે કારીગરો રોજી રોટી મેળવે છે. કોઈને કોઈ કારણસર વીજળી કલાકો સુધી ગુલ રહેતી હોવાથી કામ બંધ રહેવા પામે છે અને કોઈ ટીસી નબળુ પડે તો બદલવાનું થાય ત્યારે આગોતરી જાણ કરવામાં આવતી નથી અને પાવર કટ કરી દેવાય છે. લીલીયામાં કાયમી હેલ્પર પણ મુકવામાં આવતા નથી અને રિપેરીંગ કરવા અન્ય ગામમાંથી બોલાવવા પડે છે જેના કારણે સમયનો ખુબ વ્યય થાય છે. છેલ્લા ઘણા સમયથી મેન્ટેનન્સ થયું નથી, દર ગુરૂવારે મેન્ટેનન્સના નામે પાવર કાપ રાખવામાં આવે છે પણ મેન્ટેનન્સ ન કરતા વાયર લટકી રહ્યા છે અને સડી ગયા છે. જમ્પર વગેરેની કાળજી લેવી જાઈએ પરંતુ કોઈ કામગીરી થતી નથી જેના કારણે ભોગવવાનું આવે છે. આ બાબતે લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, કાર્યપાલક ઈજનેર અમરેલી પીજીવીસીએલ અને લીલીયા નાયબ ઈજનેર તેમજ સાંસદ સહિતને રજૂઆત કરી આ સમસ્યાનું કાયમી સમાધાન કરવા અપીલ કરવામાં આવી છે.