લીલીયા તાલુકામાં ભાડુઆત નોંધણી અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ બે મકાન માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. લીલીયા પોલીસે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિએ પોતાનું મકાન ભાડે આપતા પહેલા સરકારી પોર્ટલ પર ભાડુઆતની નોંધણી કરાવવી ફરજિયાત છે. આ બાબતની જાણ પોલીસ સ્ટેશનમાં પણ કરવાની હોય છે. લીલીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. આઇ.જે. ગીડાએ જણાવ્યું હતું કે, પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીના આદેશથી જિલ્લામાં ભાડુઆત નોંધણી ચેકિંગની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે લીલીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે મકાન માલિકોને ભાડુઆત નોંધણી ન કરાવવા બદલ ઝડપી પાડ્યા હતા. પોલીસ ટીમે બે અલગ ઘટનાઓમાં કાર્યવાહી કરી હતી જેમાં ગાયત્રી મંદિર સામે આવેલ કાળુભાઈ વાઘેલાના મકાનમાં કચ્છથી આવેલ અશોકભાઈ વાઘેલાને ભાડા કરાર વગર રહેતા ઉપાડી લઈ, મકાન માલિક સામે કાર્યવાહી કરવામાં આવી. બીજી ઘટનામાં ખારા ગામમાં ભુજ બલદાન ગઢવીના મકાનમાં ભાડા કરાર વગર અનધિકૃત રીતે રહેતા ઈસમ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે આ બંને મકાન માલિકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.