લીલીયા શહેરમાં પાછલા ત્રણ વર્ષથી બસ સ્ટેન્ડ નજીકની માલિકીની જગ્યામાં બિનકાયદેસર રીતે ભરાઈ રહેલી ‘ગુરુવારી બજાર’ને તાત્કાલિક બંધ કરાવવા માટે સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી સંગઠને ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરી સમક્ષ આક્રમક રજૂઆત કરી હતી. આ ગુરુવારી બજારમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ૩૦૦ ઉપરાંત સ્ટોલ લગાવવામાં આવે છે. મોટાભાગના વેપારીઓ અમરેલી, ધારી, બગસરા અને ગોંડલ સહિતના બહારના શહેરોમાંથી આવતા હોવાથી તેની સીધી અને નકારાત્મક અસર શહેરના સ્થાનિક વેપાર-ધંધા પર પડી રહી છે. સ્થાનિક સત્તાધિશોને વારંવાર જાણ કરવા છતાં કોઈ પરિણામ ન મળતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરીનભાઈ સોની અને વેપારી અગ્રણી રસિકભાઈ વંડ્રાની આગેવાનીમાં વેપારીઓ ગુરુવારી બજાર બંધ કરાવવાના મુદ્દે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીએ દોડી આવ્યા હતા. આ તકે તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્યને રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રશ્ને ગ્રામ પંચાયત, સરપંચ અને તલાટી કમ મંત્રીને પાંચ વખત લેખિત સૂચના આપીને ઉકેલ લાવવા કાર્યવાહી કરવા જણાવ્યું છે, જેની જાણ ડી.ડી.ઓ. અમરેલીને પણ કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરીનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, લીલીયા તાલુકો આર્થિક રીતે પછાત હોવા છતાં ગુરુવારી બજાર શરૂ થતાં સ્થાનિક વેપારીઓની દશા ‘પડ્યા પર પાટુ માર્યા’ જેવી થઈ છે. TDO કિશોર આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત, સરપંચ અને તલાટી મંત્રીને જરૂરી મંજૂરી ઠરાવો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.









































