લીલીયામાં એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અન્ય યુવક સાથેના સંબંધ બાબતે પરિવારે સમજાવટ સાથે ઠપકો આપતા યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. મૂળ ગારિયાધારના નવાગામના અને હાલ લીલીયામાં રહેતા ભીખાભાઇ તેજાભાઇ પરમાર (માથાસુળીયા) ઉ.વ.૩૫ એ જાહેર કર્યા મુજબ, તેમની પત્ની જયાબેન ભીખાભાઇ પરમાર (માથાસુળીયા) ઉ.વ.૩૦ ને ગારીયાધારના મુકેશભાઈ પોપટભાઈ ધોળકિયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતની જાણ પરિવારને થતા, પરિવારજનો તેને ઘરે પરત લઈ આવ્યા હતા. ઘરે લાવ્યા બાદ પરિવારના સભ્યોએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ઘરમેળે ‘મીઠો ઠપકો’ આપ્યો હતો. પરિવાર દ્વારા આપવામાં આવેલી શિખામણ અને ઠપકો પરિણીતાને મનમાં લાગી આવ્યો હતો. આવેગમાં આવી જઈને તેણે પોતાના ઘરે હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






































