અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં વાર્ષિક ઇન્સ્પેક્શન કરવા ગયેલા અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત અને તાલુકાના સ્થાનિક આગેવાનો વચ્ચે દારૂ મુદ્દે ચકમક જરી હતી અને આ ઘટનામાં જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાત અને પોલીસ પર સામસામા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાત દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તારીખ ૨૮/૫ ના રોજ લીલીયા તાલુકામાં દારૂના વેચાણ અને તેના કારણે થતા મૃત્યુ અંગે ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ સાથે તેઓ એસપી અમરેલીને રજૂઆત કરવા ગયા હતા ત્યારે એસપીએ તેમનું અપમાન કર્યું હતું અને આ ઘટનાના બીજા દિવસે જ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ક્રાંકચ ગામે વિકાસના કામો માટે પડેલા માલસામાનને વિપુલ દુધાતનો હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. વિપુલ દુધાતે વધુમાં જણાવ્યું છે કે આ અંગે તેમણે સંસદસભ્ય ભરતભાઈ સુતરીયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને પ્રદેશ ભાજપના નેતાઓએ આ અંગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને જાણ કરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો, લીલીયા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો તેઓ જનતા રેડ કરશે અને તેની જવાબદારી તંત્રની રહેશે. આમ લીલીયા પંથકની ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચતા આવનારા દિવસોમાં જિલ્લામાં કંઈક નવાજૂની થશે તે ચોક્કસ છે.
લીલીયાના ક્રાંકચ ગામમાં અગાઉ ઝડપાયેલા રેતીના સ્ટોક અંગે ૧.૭૬ લાખનો દંડ ફટકારાયો
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાંકચ ગામમાં મધુભાઈ ખોખરના પ્લોટમાં કરેલી તપાસમાં બિનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલ ૪૫૫ મેટ્રિક ટન રેતી અને ૫૦ મેટ્રિક ટન બ્લેક ટ્રેપ ખનીજ મળી આવ્યું હતું. ૨૯ મેના રોજ પોલીસે દરોડા દરમિયાન આ ગેરકાયદેસર સ્ટોક શોધી કાઢ્યો હતો. પોલીસના રિપોર્ટ બાદ જિલ્લા ખાણ-ખનીજ વિભાગના અધિકારી જે.આર. સાવનેરની ટીમે સ્થળ પર તપાસ કરી હતી. પંચનામું અને માપણી સહિતની કાર્યવાહી બાદ વિભાગે દંડનાત્મક પગલાં લીધા છે. વિભાગે બિનઅધિકૃત સંગ્રહ બદલ રૂ. ૧,૨૭,૨૦૦ અને ડી.એમ.એફ. પેટે રૂ. ૪૯,૪૫૨ મળી કુલ રૂ. ૧,૭૬,૬૫૨નો દંડ ફટકાર્યો છે.










































