લીલીયા મોટા ગામમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ ૩૬૦૦ ઘરોને નળ કનેક્શન મળવાનો માર્ગ મોકળો થયો છે. ગ્રામજનોએ ૧૦ ટકા લોકફાળો ભરતાં આ યોજના કાર્યરત થવાની આશા જાગી છે. રૂ. ૯ કરોડના ખર્ચે શરૂ થયેલી આ યોજના લોકફાળાના અભાવે અટવાઈ હતી. ગ્રામ પંચાયતે પહેલાં સ્વભંડોળમાંથી લોકફાળો ભર્યો હતો, જે વાસ્મો દ્વારા પરત કરાયો હતો. હવે રૂ. ૯.૯૦ લાખનો લોકફાળો એકત્ર કરી જમા કરાવાયો છે. આ યોજનાથી લીલીયાના લોકોને ક્ષારયુક્ત પાણીમાંથી મુક્તિ મળશે. સરપંચ જીવનભાઈ વોરા દ્વારા દાતાઓની મદદથી લોકફાળો એકત્ર કરવામાં આવ્યો છે. જેના કારણે હવે ગામના દરેક ઘરને શુદ્ધ પીવાનું પાણી મળશે. આ યોજનાથી લીલીયા મોટાના લોકોને ગુણવત્તાસભર પીવાનું પાણી મળશે અને તેમના આરોગ્યની સુરક્ષા થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.