અમરેલી જિલ્લાના મોટા ભાગના શહેરોમાં ગેસની પાઈપલાઈન મારફતે ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે. જો કે કંપનીની બેદરકારીને કારણે ઘણીવાર ગેસ લીકેજની સમસ્યા સર્જાતી હોય છે જેમાં લીલીયામાં અમરેલી રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામેના વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં આગની ઘટના બની હતી. અહીં ગુજરાત ગેસ કંપની દ્વારા પીએનજી ગેસની પાઇપલાઇન શહેરભરમાં બિછાવવામાં આવી છે. લોકોને ઘરે ઘરે પાઇપલાઇનથી ગેસ પહોંચાડવા આ લાઇન નાખવામાં આવી છે. જેમાં કોઇ કારણે સવારના સમયે ભંગાણ પડયું હતું અને ત્યારબાદ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે અહીં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક સત્તાધીશોને જાણ કરવામાં આવતા તાલુકાના તમામ ઉચ્ચ અધિકારીઓે અહીં દોડી આવ્યા હતા. પીજીવીસીએલના કર્મચારીઓ અને ગુજરાત ગેસના કર્મચારીઓ પણ અહીં દોડી આવ્યા હતા. ગ્રામ પંચાયતના જેટીંગ મશીન દ્વારા લીકેજના સ્થળે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને એકાદ કલાકની જહેમતના અંતે આખરે આગ પર કાબુ મેળવાયો હતો. ગેસ લીકેજના સમાચાર મળતા લીલીયાને અમરેલી તરફથી મળતો ગેસ બંધ કરી દેવામાં આવ્યો હતો અને દામનગરથી ગેસલાઈન શરૂ કરવામાં આવી હતી. આ અંગે વિસ્તારવાસીઓએ જણાવ્યુ હતું કે માત્ર થોડી ઉંડાઈએ જ ગેસની લાઈન બિછાવવામાં આવી છે. થોડી માટી ઉપાડતા જ ગેસની લાઈન દેખાઈ જાય છે. આ બાબતે ભૂતકાળમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નહોતી.