અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય વિપુલભાઇ દુધાતે લીલીયા શહેરમાં ગટરના તથા કાદવ કીચડના પ્રશ્ન બાબતે જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડયાને પત્ર લખીને કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ અંગે પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, લીલીયા શહે૨માં સ૨કા૨ દ્વારા લોકોની સુખાકારી માટે અંદાજીત ૧૧ કરોડના ખર્ચે ગટરની યોજના કાર્યરત થઇ હતી. પરંતુ ગટરનું કામ ખુબ જ નબળી ગુણવત્તાનું અને લીલીયા શહે૨ની જમીનની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લીધા વગર થયું હતું. આથી તે સુવિધા થવાને બદલે દુવિધા બની ગયેલ છે અને લીલીયા શહેરમાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થવાના કારણે તેનો શેરીઓમાં ભરાવો થાય છે. આ અંગે અમે આપને તા.૨૫-૦૪ના રોજ પત્રથી રજૂઆત કરેલ હતી પરંતુ આજદિન સુધીમાં ગટર નવીનીકરણ કરતી એજન્સી તથા અમદાવાદની દિશા એજન્સી વિરૂધ્ધ કોઈ પગલા લેવાયા નથી. હાલમાં વરસાદ તથા ગટ૨ના પાણીને કારણે લીલીયાની મુખ્ય બજાર, નાવલી બજાર, સાંઈનાથ પરા/મફત પ્લોટ/હનુમાન પરા, તળાવ પ્લોટ, કીકાણી પ્લોટ અને અલગ અલગ શેરીઓમાં ખુબ જ કાદવ કીચડ થયેલ હોવાથી લોકો ચાલી શકે તેમ પણ નથી અને જેનાથી ગંભીર રોગચાળો ફેલાવવાની દહેશત છે. આથી લીલીયાના અલગ અલગ વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવવા આપે રૂબરૂ સ્થળ મુલાકાત લેવી જોઇએ. આ બાબતે ગામના લોકો દ્વારા તા.૦૫-૦૭ના રોજ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે. વધુમાં વિપુલભાઈ દુધાતે હવે જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો લોકો સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધશે તેવી ચીમકી આપી હતી.








































