અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં આવેલી શ્રી હરિપર પ્રાથમિક શાળાની ૧૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ડેલિગેટ ભીખુભાઈ એમ. ધોરાજીયાએ આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં IPS અને IAS અધિકારી બનીને દેશનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.ચેરમેન ડેલિગેટ ધોરાજીયા સાથે ગ્રામીણ આગેવાનો વિનુભાઈ મકાણી, રાજુભાઈ વેકરિયા અને કાળુભાઈ વેકરિયા પણ હાજર રહ્યા હતા. આ મુલાકાતમાં તેમણે શાળાના શિક્ષકો સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. તેમણે શાળામાં બનાવેલા બાગ-બગીચા, પર્યાવરણ લેબ, અને ભીંતચિત્રો પરના શૈક્ષણિક સૂત્રોનું નિરીક્ષણ કરી તેની પ્રશંસા કરી હતી.