લીલીયા શહેરમાં તમામ પ્રાથમિક સુવિધાઓ ખાડે ગઈ છે. શેરી મહોલ્લામાં અને જાહેર માર્ગોમાં રસ્તાઓની હાલત બદથી બદતર થઈ જવા પામી છે. નાવલી બજારથી લઈ તમામ શેરીઓ નર્કાગાર સમાન બની જવા પામી છે. ભૂગર્ભ ગટરનુ કામ કરવામાં આવ્યું છે પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડયો છે અને શહેરમાં આવેલા હનુમાનપરા વિસ્તારમાં ગટરના ગંધાતા પાણી રસ્તા ઉપર ફરી વળે છે જેના કારણે અહીંથી પસાર થવું એ માથાના દુખાવારૂપ બની ગયુ છે. આ પાણીના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે જેના કારણે રોગચાળો ઉદભવવાની પણ ભીતિ રહેલી છે. નબળી નેતાગીરી અને એકબીજા સાથેના દ્વેષના કારણે સાફ સફાઈનુ કોઈ ધ્યાન અપાતુ નથી અને આ માટે કોઈ સાધન સામગ્રી પણ વસાવવામાં આવી નથી. વારંવાર આ બાબતે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતા રહે છે પરંતુ નિંભર તંત્ર કુંભકર્ણની નિદ્રા ત્યાગી અને કોઈ કામગીરી કરવા તૈયાર નથી હવે જનતાને આ સમસ્યામાંથી કયારે છુટકારો મળે છે એ જાવાનું રહ્યુ.