અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બૃહદગીર વિસ્તારમાં આવતા વાઘણીયા, ટીબડી, ભોરિંગડા સહિતના ગામોમાં બેફામ પર્યાવરણીય નુકસાનની ઘટના સામે આવી છે. આ પંથકમાં ગાંડા બાવળ કાપવાની આડમાં દેશી બાવળ અને લીમડા સહિતના હજારો દેશી વૃક્ષોનું કોઈ પણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર કટિંગ થઈ રહ્યું છે.આશ્ચર્યજનક વાત એ છે કે, આ જંગલ વિસ્તારમાં છેલ્લા અઢી દાયકાથી એશિયાટિક સિંહોએ પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું છે. વન્યજીવ પ્રેમીઓનો દાવો છે કે જો આ રીતે દેશી કુળના વૃક્ષોનો નાશ થશે, તો સિંહોનું કુદરતી રહેઠાણ છીનવાઈ જશે. પરિણામે, વન્યજીવો માનવ વસાહત તરફ આગળ વધશે અને માનવ-વન્યજીવ સંઘર્ષની ગંભીર સ્થિતિ સર્જાશે.આ વિસ્તારમાં સામાજિક વનીકરણ, પાલીતાણા ડિવિઝન અને સરસિયા રેન્જ જેવા ત્રણ-ત્રણ વિભાગો કાર્યરત હોવા છતાં આ પ્રવૃત્તિ અટકાવવામાં વન વિભાગ અને સ્થાનિક મામલતદાર કચેરી સદંતર નિષ્ફળ સાબિત થયા છે. પ્રકૃતિ પ્રેમીઓ હવે જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.








































