લીલીયાના પૂર્વ ધારાસભ્યની સંડોવણીવાળા એક ચકચારી કેસમાં ફરિયાદી દ્વારા લગાવવામાં આવેલા માર મારવાના આરોપો સાબિત ન થતા લીલીયાની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અમરેલીના સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદીએ આરોપીઓનો બચાવ કર્યો હતો અને તેમની દલીલોને ધ્યાનમાં લઈને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફ.ક.) એમ.એમ. ગાંધીએ આ હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી હતી કે ફરિયાદી દયાબેનના લગ્ન વિપુલભાઈ માંડણકા સાથે થયા હતા અને તેમણે પોતાના સાસરિયાઓ તથા પૂર્વ ધારાસભ્ય સહિતના લોકો વિરુદ્ધ માર મારવા અને શારીરિક-માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય સિવાયના અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ દરમિયાન ફરિયાદીએ પૂર્વ ધારાસભ્ય અને અન્ય આરોપીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની જુબાની આપી હતી, પરંતુ બચાવ પક્ષના વકીલ ઉદયન ત્રિવેદીએ તેમની ઉલટતપાસ કરી હતી. કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈને જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ પોતાના કેસને પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો છે. સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની અસરકારક દલીલોને માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.